પીઓકેમાં ભારત લેશે એક્શન : ઈમરાનને ડર

પીઓકેમાં ભારત લેશે એક્શન : ઈમરાનને ડર
પાક. અધિકૃત કાશ્મીરની વિધાનસભામાં ભાષણ આપતા ફરી ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું 
નવી દિલ્હી, તા. 14 : કાશ્મીરના મુદ્દે સતત નિવેદનો કરી રહેલા પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનને એવી ભીતિ છે કે પીઓકેમાં પણ ભારત સરકાર એક્શન લઈ શકે છે.  પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસના અવસરે ઈમરાન ખાન પીઓકેના વિધાનસભામાં પહોંચ્યા હતા. જ્યાં ફરી એક વખત કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું હતું. ઈમરાન ખાને કહ્યું હતું કે તેણે કાશ્મીરના મુદ્દે નરેન્દ્ર મોદી અને ભાજપના સાચા ચહેરાને દુનિયાની સામે રાખ્યો છે. તેઓ માત્ર કાશ્મીર સુધી જ નહી રોકાય. એવા ઈનપુટ મળ્યા છે કે પીઓકેમાં પણ કાર્યવાહી થઈ શકે છે. 
ઈમરાન ખાને પીઓકેની વિધાનસભામાં ભાષણ આપતા કહ્યું હતું કે, પીઓકેમાં ભારત સરકારના કોઈપણ એક્શન સામે પાકિસ્તાની સેના તૈયાર છે. કોઈપણ પગલા ભરાશે તો તેનો જવાબ આપવામાં આવશે. ઈમરાને એમ પણ કહ્યું હતું કે, જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ બનશે તો તેના માટે દુનિયા અને સંયુક્ત રાષ્ટ્ર જવાબદાર રહેશે. ઈમરાને કહ્યું હતું કે, તે કાશ્મીરના મુદ્દાને દુનિયાની દરેક ફોરમ સુધી લઈજશે. જરૂર પડશે તો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પણ મુદ્દો ઉઠાવવામાં આવશે.
 લંડનમાં આ મુદ્દે રેલી કાઢવામાં આવશે અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પણ પાકિસ્તાન તરફથી વિરોધ કરવામાં આવશે.  પાકિસ્તાન જમ્મુ કાશ્મીર અંગે ભારત સરકારના નિર્ણય બાદ ધૂંધવાયું છે અને તેની જ અસર ઈમરાન ખાનના ભાષણમાં જોવા મળી હતી. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું હતું કે, ભાજપ અને સંઘની વિચારધારા મુસલમાનો વિરૂદ્ધ છે. પીઓકે વિધાનસભામાં ઈમરાને દાવો કર્યો હતો કે પોતે દુનિયામાં કાશ્મીરનો અવાજ બનશે.
 

Published on: Thu, 15 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer