કલમ 370નું પગલું કાશ્મીરની પ્રજા માટે લાભકારી નીવડશે : રાષ્ટ્રપતિ

કલમ 370નું પગલું કાશ્મીરની પ્રજા માટે લાભકારી નીવડશે : રાષ્ટ્રપતિ
73મા સ્વતંત્રતા પર્વની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રજોગ સંદેશો : `જીઓ ઔર જીને દો'નાં સિદ્ધાંત ઉપર આપણે ચાલીએ છીએ
નવીદિલ્હી, તા.14 : સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંદેશ પાઠવવાની પરંપરા મુજબ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશને 73માં આઝાદી દિનની શુભકામના પાઠવી હતી અને રાષ્ટ્રને સ્પર્શતા મહત્ત્વનાં મુદ્દાઓની ચર્ચા કરી હતી. આ સાથે જ તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું પગલું કાશ્મીરનાં લોકો માટે ફાયદાકારક પુરવાર થવાની આશા પણ વ્યક્ત કરી હતી. 
તેમણે કહ્યું હતું કે, તેમને પૂરો ભરોસો છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે તાજેતરમાં કરવામાં આવેલા પરિવર્તન સ્થાનિકો માટે લાભદાયી નિવડશે. સરકાર લોકોની આશા અને અપેક્ષાઓને પૂરી કરવાં સમર્થ છે. વર્તમાનમાં આપણાં અનેક પ્રયાસો ગાંધીજીનાં વિચારોને યથાર્થ રૂપ આપે છે. ગાંધીજી માનતા હતાં કે પ્રકૃતિનાં સંસાધનોનો ઉપયોગ વિવેકથી થવો જોઈએ જેથી હંમેશા સંતુલન બની રહે. સૌરઉર્જાનો ઉપયોગ વધારવા ઉપર જોર આ દિશામાં જ એક મહત્ત્વનું પગલું છે.
આ ઉપરાંત રાષ્ટ્રપતિએ લોકસભા અને રાજ્યસભાનાં તાજેતરમાં જ સંપન્ન થયેલા સત્ર અત્યંત સફળ રહ્યા હોવાનો સંતોષ પણ દર્શાવ્યો હતો. તેમણે આગળ કહ્યુંં હતું કે આજે આપણું લક્ષ્ય વિકાસની ગતિ તેજ કરવાનું છે.
આપણે જ્યારે દેશની સમાવેશક સંસ્કૃતિની વાત કરીએ છીએ ત્યારે આપણે આપણો પારસ્પરિક વ્યવહાર પણ ચકાસવો જોઈએ. આપણે બધાને એવું જ સન્માન આપવું જોઈએ જેવું આપણે તેમની પાસેથી ઈચ્છીએ છીએ. ભારતીય સમાજ હમેશાથી સહજ અને સરળ રહ્યો છે. જીવો અને જીવવા દોનાં સિદ્ધાંત ઉપર આપણે ચાલીએ છીએ.

Published on: Thu, 15 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer