દર્શકોને પસંદ આવે એવું કામ કરવું છે સૈફ અલી ખાન

દર્શકોને પસંદ આવે એવું કામ કરવું છે સૈફ અલી ખાન
અભિનેતા સૈફ અલી ખાને તાજેતરમાં પોતાનો 49મો જન્મદિન ઊજવ્યો. આ વર્ષની ઉજવણી તેના માટે વધુ મહત્ત્વની હતી કેમ કે બર્થ ડેના એક દિવસ અગાઉ જ તેની વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સની બીજી સિઝન બહાર પડી અને દર્શકોએ અભિનેતાના અભિનયની ખોબલે ખોબલે પ્રશંસા કરી છે. આ સીરિઝમાં તેણે ઇન્સ્પેકટર સરતાજ સિંહની ભૂમિકા ભજવી છે. સૈફે કહ્યું કે આ સીરિઝની સફળતા એ પુરવાર કરે છે કે સારા કામને પ્રેક્ષકો સુધી પહોંચાડવા માટે એક કરતાં વધુ પ્લેટફોર્મ હવે ઉપલબ્ધ છે. મનોરંજનની વ્યાખ્યા બદલાઇ રહી છે. ઉપરાંત જે રીતે રજૂઆત કરવામાં આવે છે તે પણ બધું બદલાઇ ગયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરના શો સાથે સ્પર્ધા કરતા આ શોએ પુરવાર કર્યું છે કે ભારતમાં ટેલેન્ટેડ દિગ્દર્શકો અને કલાકારોની કમી નથી. આ સીરિઝમાં ટીવી અને ફિલ્મો કરતાં કંઇક વધુ છે. 
સૈફના મતે અત્યારે તેના જીવનનો શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે. કારકિર્દી અને અંગત જીવન બંનેમાં મળી રહેલી સફળતાએ તેને આભમાં વિહરતો કરી દીધો છે. ફિલ્મક્ષેત્રે તે જવાની જાનેમન અને ભૂત પોલીસમાં જોવા મળશે. તેણે કહ્યું કે, હવે મારે પ્રેક્ષકોને ગમે એવું કામ કરવું છે. વચ્ચેના સમયગાળામાં મેં એવી ફિલ્મો પસંદ કરી હતી જે પ્રેક્ષકોને પસંદ ન આવે . હવે હું વધુ ચોક્કસ બનીને ફિલ્મોની પસંદગી કરું છું. જવાની જાનેમન આર્ટિસ્ટિક ફિલ્મ છે પરંતુ તેમાં મનોરંજનનું તત્ત્વ પણ ભરપૂર છે. આથી પ્રેક્ષકોને તે ગમશે.
Published on: Sat, 17 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer