અજય દેવગન કરશે ટાઇમ ટ્રાવેલ!

અજય દેવગન કરશે ટાઇમ ટ્રાવેલ!
અભિનેતા અજય દેવગને તાજેતરમાં મરાઠા યોદ્ધા તાનાજી માલુસરેના જીવન પરની ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે અને હવે તે થોડા દિવસમાં પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. ફૂટબોલના કોચ સૈયદ અબ્દુલ રહીમના જીવન પર આધારિત આ ફિલ્મના દિગ્દર્શક અમિત શર્મા છે, જેણે ફિલ્મ `બધાઇ હો'નું દિગ્દર્શન કર્યું છે. આજકાલ બૉલીવૂડમાં બાયોપિક ફિલ્મોનો ટ્રેન્ડ ચાલે છે તે સાચું પરંતુ કલાકાર માટે એક મહાન વ્યક્તિના પાત્રમાંથી બીજી વ્યક્તિના પાત્ર સાથે ઓતપ્રોત થવું અત્યંત મુશ્કેલ બાબત છે. તાનાજી માલુસરે અને સૈયદ અબ્દુલ રહીમ બંનેનું વ્યક્તિત્વ એકદમ અલગ છે અને મહત્ત્વની વાત એ કે બંને અલગ અલગ યુગમાં જન્મ્યા હતા. એક યોદ્ધો હતો તો એક ફૂટબોલ કોચ. આ બંને પાત્રને એક જ વ્યક્તિએ ભજવવાનાં હોય ત્યારે આકરી માનસિક અને શારીરિક તૈયારી કરવી પડે છે. 
ફૂટબોલ કોચના જીવન પરની ફિલ્મ 125 દિવસના કળંગ શૂટિંગ શિડયુલમાં શૂટ થશે. મુંબઇ, દિલ્હી, લખનઊ અને કોલકાતા બાદ જકાર્તા, રોમ અને મેલબર્નમાં શૂટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયામાં પણ અજય રિયલ લાઇફ પાત્ર ભજવી રહ્યો છે. આમાં તે ભારતીય વાયુદળના અધિકારી વિજય કર્ણિકને પરદા પર સાકાર કરશે. 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન વિજય કર્ણિકે ભુજના ગામવાસીઓની મદદથી હવાઇપટ્ટીનું નિર્માણ કર્યું હતું.
Published on: Sat, 17 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer