રવિ શાસ્ત્રી મુખ્ય કોચ પદે યથાવત

રવિ શાસ્ત્રી મુખ્ય કોચ પદે યથાવત
કપિલ દેવની આગેવાની ધરાવતી સમિતિનો નિર્ણય : માઈક હેસન બીજા અને ટોમ મુડી ત્રીજા ક્રમાંકે 

મુંબઈ, તા. 16 : રવિ શાસ્ત્રીની ફરી એક વખત ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે પસંદગી થઈ છે.  શુક્રવારે પૂર્વ કેપ્ટન કપિલ દેવની આગેવાનીની ક્રિકેટ સલાહકાર સમિતિએ કોચના પદ માટેના દાવેદારોના ઈન્ટરવ્યુ લીધા હતા. ત્યારબાદ મુંબઈમાં ક્રિકેટ એડવાઈઝરી કમિટિએ પ્રેસ કોન્ફરન્સમાં રવિ શાસ્ત્રીની ફરી એક વખત મુખ્ય કોચ તરીકે પસંદગી કરવામાં આવી હોવાની જાણકારી આપી હતી. 
પ્રેસ કોન્ફરન્સમાં કપિલ દેવે કહ્યું હતું કે, ત્રીજા ક્રમાંકે ઓસ્ટ્રેલિયાના ટોમ મુડી રહ્યા હતા અને બીજા ક્રમાંકે ન્યૂ ઝિલેન્ડના માઈક હેસન આવ્યા હતા. કપિલે કહ્યું હતું કે ત્રણ સભ્યો (શાંતા રંગાસ્વામી, અંશુમાન ગાયકવાડ)એ દાવેદારોને અલગ અલગ અંક આપ્યા હતા.  કપિલ દેવે કહ્યું હતું કે, શાસ્ત્રી મુખ્ય કોચ તરીકે કેટલા સમય સુધી રહેશે તેની જાણકારી બોર્ડ આપશે. સમિતિએ માપદંડોને અનુસરીને અંક આપ્યા છે અને બાકીની બાબતો બીસીસીઆઈ નક્કી કરશે.  અંશુમાન ગાયકવાડે કહ્યું હતું કે, શાસ્ત્રી પહેલાથી જ ટીમ ઈન્ડિયાના કોચ છે. તે ટીમને જાણે છે અને તેની પાસે ટીમ માટે આયોજન પણ હતું. શાસ્ત્રી ખેલાડીઓ અને સિસ્ટમને પણ જાણે છ અને તેઓ ટીમ સાથે સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. 
મુખ્ય કોચની દાવેદારીમાં કુલ 6 નામ હતા. જેમાં રોબિન સિંહ, માઈક હેસન, લાલચંદ રાજપૂત, ફિલ સિમન્સ, ટોમ મુડી અને રવિ શાસ્ત્રીનું નમ હતું. સિમન્સે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. કપિલ દેવે કહ્યું હતું કે, રવિ શાત્રીની મુખ્ય કોચ તરીકે પસંદગી કરતા પહેલા વિરાટ કોહલીનું મંતવ્ય લેવામાં આવ્યું નહોતું.  જો કેપ્ટનનું વલણ જાણવામાં આવે તો પુરી ટીમ પાસેથી મંતવ્ય લેવું જરૂરી છે. જો કે વિરાટ કોહલીએ જાહેરમાં રવિ શાસ્ત્રીને ફરીથી કોચ બનાવવાની તરફેણ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ અગાઉ વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ ં હતું કે, રવિ શાસ્ત્રી કોચ બનશે તો તેની ખુશી થશે. 
જુલાઈ 2017થી ભારતે શાસ્ત્રીના કોચિંગમાં 21માથી 13 ટેસ્ટમાં જીત મેળવી હતી. જ્યારે ટી20મા જીતની સરેરાશ 69.44 રહી હતી. ભારતે 36 ટી20માથી 25મા જીત મેળવી હતી. આ ઉપરાત 60 વનડેમાંથી 43માં જીત મેળવી હતી.  રવિ શાસ્ત્રી અગાઉ 2014થી 2016 સુધી ભારતીય ટીમના ડાયરેક્ટર રહ્યા હતા. 2017મા અનિલ કુંબલેને કોચ પદેથી દૂર કરવામાં આવતા શાસ્ત્રીને મુખ્ય કોચની જવાબદારી સોંપવામાં આવી હતી.
Published on: Sat, 17 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer