વડા પ્રધાનની ત્રણ જાહેરાતો પર ચિદમ્બરમ ઓવારી ગયા

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 16 : કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે વસ્તી વિસ્ફોટ, સિંગલ યુઝ પ્લાસ્ટિકની નાબૂદી અને સંપત્તિનું સર્જન કરનારાઓનો આદર કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિચારોની શુક્રવારે પ્રશંસા કરી હતી.
આપણે બધાએ સ્વાતંત્ર્ય દિને વડા પ્રધાને કરેલી ત્રણ જાહેરાતોને આવકારવી જોઈએ. નાનો પરિવાર દેશભક્તિની ફરજ છે, સંપત્તિ સર્જનારાઓનો આદર કરવો જોઈએ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ ત્રણ જાહેરાતોમાંની વડા પ્રધાનની જે બીજી જાહેરાત છે તેને નાણાપ્રધાન અને કરવેરા અધિકારીઓએ સ્પષ્ટપણે સાંભળી હશે એવી હું આશા રાખું છું, એમ ભૂતપૂર્વ નાણાપ્રધાન ચિદમ્બરમે જણાવ્યું હતું.
વસ્તી નિયંત્રણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકની નાબૂદીનો ઉલ્લેખ કરતાં ચિદમ્બરમે જણાવ્યું હતું કે પ્રથમ અને ત્રીજી જાહેરાત લોકોની ચળવળ બનવી જોઈએ. આવી ચળવળની સ્થાનિક સ્તરે આગેવાની લેવા ઘણા સમર્પિત કાર્યકરો અને સ્વૈચ્છિક સંસ્થાઓ કાર્યરત છે.
સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે, વસ્તી વિસ્ફોટ ભાવિ પેઢીઓ માટે અનેક સમસ્યાઓ સર્જશે, પરંતુ એક એવો સાવધ વર્ગ પણ છે જે બાળકને દુનિયામાં લાવતાં પહેલાં વિચારે છે કે, શું તે બાળકને જન્મ આપીને તેને ન્યાય આપી શકશે? તેને જે જોઈશે તે આપી શકશે? બધા લોકોએ આ વર્ગ પાસેથી કંઈક શીખવાની જરૂર છે. તેનો નાનો પરિવાર પણ દેશભક્તિને અભિવ્યક્ત કરવાનું એક માધ્યમ છે, એમ મોદીએ જણાવ્યું હતું. સંપત્તિનું સર્જન કરનારાઓ વિશે મોદીએ જણાવ્યું હતું કે, સંપત્તિનું સર્જન કરવું મોટી દેશસેવા છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકને દૂર કરવા વિશે તેમણે જણાવ્યું હતું કે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણ સામે મોટો ખતરો છે અને બીજી અૉક્ટોબર સુધીમાં કોઈ મહત્ત્વનું કદમ ભરવું જોઈએ.
Published on: Sat, 17 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer