ગુજરાતના પ્રધાન બચુ ખાબડે ભાંગરો વાટયો

કલમ 370ને બદલે 170 બોલ્યા અને નીતિન પટેલને દેશના ગૃહપ્રધાન તરીકે ઓળખાવ્યા

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 16 : પંચમહાલમાં 73મા સ્વાતંત્ર્ય દિન સમારોહમાં પ્રધાન બચુ ખાબડની  જીભ લપસી હતી. પોતાના સંબોધનમાં તેમણે ભાંગરો વાટતા કાશ્મીરની કલમ 370ને બદલે 170 બોલ્યા હતા, તો બીજી તરફ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને દેશના ગૃહપ્રધાન ગણાવ્યા હતા. 
બચુ ખાબડે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ગુજરાતના બે સપૂતો વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે કાશ્મીરનો 70 વર્ષનો વિકટ પ્રશ્ન એવી 170મી કલમ રદ કરીને સમસ્યા હલ કરી છે. આમ, તેઓ કાશ્મીરની 370મી કલમને બદલે 170મી કલમ બોલ્યા હતા. આટલેથી તેઓ અટકયા ન હતા. મીડિયા સાથેની વાતચીતમાં પણ તેમની જીભ લપસી હતી. તેમણે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને દેશના ગૃહપ્રધાન ગણાવ્યા હતા. આમ, બે-બે વખત પ્રધાન બચુ ખાબડે ભાંગરો વાટયો હતો. 
ઉલ્લેખનીય છે કે, 73મા સ્વાતંત્ર્ય દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યકક્ષાના પ્રધાન બચુ ખાબડે ધ્વજવંદન કર્યું હતું. આ અવસરે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લાના પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Published on: Sat, 17 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer