વડા પ્રધાન મોદીની પાકિસ્તાની `રાખી'' બહેન

કમર શેખે ટ્રિપલ તલાક કાયદાને વધાવ્યો

નવી દિલ્હી, તા. 16 : રક્ષાબંધનના પવિત્ર દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાની `રાખી' બહેન કમર મોહસીન શેખે તેમના સુઆરોગ્ય માટે દુઆ માગી હતી અને ટ્રિપલ તલાકની પ્રથાને અપરાધ ગણવાના કેન્દ્રના પગલાંની પ્રશંસા કરી હતી.
વડા પ્રધાનને રાખડી બાંધતાં પહેલાં કમરે જણાવ્યું હતું કે તેમના માટે એક `સરપ્રાઈઝ ભેટ' છે. આ પ્રસંગે વર્ષમાં એકવાર વડા પ્રધાનને મળવા માટે પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
`હું વડા પ્રધાનને મારા પતિએ બનાવેલું પેઈન્ટિંગ ભેટમાં આપીશ. વર્ષમાં એકવાર મોટા ભાઈને રાખડી બાંધવાનો અવસર મને મળે છે.' `હું ખુશ છું અને એવી પ્રાર્થના કરું છું કે આગામી પાંચ વર્ષ તેમના માટે સારાં જાય અને તેમણે લીધેલા હકારાત્મક નિર્ણયોની વિશ્વ કદર કરે.' એમ જણાવીને કમરે તેમના ભાઈ મોદીની સારી તંદુરસ્તીની કામના કરી હતી.
અત્રે યાદ રહે કે, કમર મોહસીન શેખ પાકિસ્તાની નાગરિક છે જે લગ્ન પછી ભારતમાં આવી ગઈ છે. છેલ્લાં 24 વર્ષથી કમર નરેન્દ્ર મોદીને રાખડી બાંધે છે.
ટ્રિપલ તલાકની વિરુદ્ધમાં કાયદો લાવવા બદલ કેન્દ્ર સરકારની પ્રશંસા કરતાં કમરે જણાવ્યું હતું કે, કુરાન અને ઈસ્લામમાં ટ્રિપલ તલાકની કોઈ જોગવાઈ નથી. મુસ્લિમ મહિલાઓનાં હિતમાં વડા પ્રધાને એક સારું પગલું ભર્યુ છે.
Published on: Sat, 17 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer