કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી કૉંગ્રેસની 96 બેઠકોની અૉફર

વંચિત બહુજન આઘાડી સ્વીકારવાના મૂડમાં નથી

કેતન જાની તરફથી
મુંબઈ, તા. 16 : મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ-શિવસેના યુતિ વિરોધી મતોનુ વિભાજન ટાળવા કૉંગ્રેસ-રાષ્ટ્રવાદીએ પ્રયાસો આરંભ્યા છે. આમ છતાં વંચિત બહુજન આઘાડી આ પ્રયાસોને મચક આપે એવી શક્યતા હાલ જણાતી નથી.
કૉંગ્રેસ-રાષ્ટ્રવાદીએ પ્રકાશ આંબેડકરની આગેવાની હેઠળના વંચિત બહુજન આઘાડીને વિધાનસભાની 96 બેઠકો આપવાની અૉફર કરી છે. વિધાનસભાની કુલ બેઠકોની સંખ્યા 288 છે. તેથી કૉંગ્રેસ-રાષ્ટ્રવાદીએ `આઘાડી'ને એક તૃતીયાંશ બેઠકોની અૉફર કરી છે. જોકે, તેમાં એક શરત એમ છે કે `આઘાડી'એ તેમાંથી કૉંગ્રેસ-રાષ્ટ્રવાદીના નાના સાથી પક્ષોને પણ બેઠકો આપવી. આ શરતને લીધે `આઘાડી'ને વાસ્તવમાં 96 કરતાં ઓછી બેઠકો લડવા મળશે તેથી પ્રકાશ આંબેડકરે આ અૉફરનો સ્વીકાર ર્ક્યો નથી.
લોકસભાની ગત ચૂંટણીમાં વંચિત બહુજન આઘાડીના ઉમેદવારોના લીધે થયેલા મતવિભાજનને કારણે કૉંગ્રેસ-રાષ્ટ્રવાદીને આઠ બેઠકો ઉપર પરાભવ ખમવો પડયો હતો. તેથી કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી `આઘાડી' સાથે ચૂંટણી સમજૂતી કરવા ઉત્સુક છે. એટલું જ નહીં, પણ તે માટેના પ્રયાસો છેવટની ઘડી સુધી પડતા નહીં મૂકે એ સ્પષ્ટ છે. 
ઉપરાંત વંચિત બહુજન આઘાડીમાં ઓવૈસીની આગેવાની હેઠળના એમઆઈએમનો પણ સમાવેશ થાય છે. તેથી `આઘાડી'એ મહારાષ્ટ્રમાં દલિત અને મુસ્લિમ મતદારોમાં સારો એવો પગપેસારો ર્ક્યો છે તેથી કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી તેને સાથે લેવા પ્રયત્નશીલ છે.
`આઘાડી' દ્વારા કૉંગ્રેસ સમક્ષ એક મુશ્કેલ શરત મૂકવામાં આવી રહી છે તે એ છે કે રાષ્ટ્રવાદી સાથે કૉંગ્રેસ છેડો ફાડે. આ સંજોગોમાં `આઘાડી' કૉંગ્રેસ-રાષ્ટ્રવાદી સાથે જોડાય એમ હાલ તુરંત જણાતું નથી.
કૉંગ્રેસના પ્રવકતા સચીન સાવંતે જણાવ્યું હતું કે વંચિત બહુજન આઘાડી સાથે વિધાનસભાની ચૂંટણીની સમજૂતી માટે ચર્ચા ચાલુ છે. આમ છતાં તે વિશે ઔપચારિક રીતે કશું કહી શકાય એવો કોઈ નિર્ણય હજી લેવાયો નથી.
Published on: Sat, 17 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer