વિધાનસભાઓની આગામી ચૂંટણીઓ સોનિયા ગાંધીની પ્રથમ કસોટી

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 16 : કૉંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી 2019ની લોકસભાની ચૂંટણીમાં ધબડકા બાદ પક્ષની આગેવાની લેવા પાછા ફર્યા છે, પરંતુ ખાસ કરીને ઝારખંડ, હરિયાણા, મહારાષ્ટ્ર અને દિલ્હી કે જ્યાં આવતા વર્ષે વિધાનસભાઓની ચૂંટણીઓ યોજાવાની છે ત્યાં પક્ષને પુનર્જીવિત કરવાનો મોટો પડકાર તેમની સામે ઊભો છે કારણ કે આ પ્રત્યેક રાજ્યમાં ન કેવળ ખુલ્લી જૂથબાજી ચાલી રહી છે, પરંતુ પક્ષની અંદર નેતાગીરીની ખેંચતાણ પણ ચાલી રહી છે.
આટલું જ નહીં પરંતુ પક્ષને ફરીથી બેઠો કરવાના ભગીરથ કાર્યનો સામનો સોનિયા ગાંધી કરી રહ્યાં છે તેમ જ એવા સમયે પક્ષને જીતાડવાનો પડકાર ઊભો થયો છે જ્યારે મોદી સરકાર રાષ્ટ્રવાદના મુદ્દા પર એટલે કે કાશ્મીરમાં આર્ટિકલ 370ને નાબૂદ કરીને તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે. બાલાકોટ ઍર સ્ટ્રાઇક બાદ લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારને જોરદાર ફાયદો થયો હતો. વિધાનસભાઓની ચૂંટણીઓ માટેનો માહોલ બનાવતાં ગૃહપ્રધાન અમિત શાહે હરિયાણાના જિંદ ખાતે એક રૅલીને સંબોધતાં આર્ટિકલ 370ની નાબૂદીને સરકારની સિદ્ધિ ગણાવી હતી અને જણાવ્યું હતું કે કાશ્મીર ભારતનો આંતરિક હિસ્સો છે તેમણે એમ પણ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરનો ખાસ દરજ્જો નાબૂદ થતાં ત્યાં વિકાસને વેગ મળશે. આ ચાર રાજ્યોની લોકસભાની 79 બેઠકોમાંથી દિલ્હી અને હરિયાણામાં કૉંગ્રેસને એક પણ બેઠક મળી નહોતી જ્યારે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પ્રત્યેકમાં એક બેઠક મળી હતી.
હાલ તુરત તો સોનિયા ગાંધીને હરિયાણાના પડકારનો સામનો કરવાનો છે, કારણ કે ત્યાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભુપીન્દર સિંઘ હૂડા પોતાનો અલગ પક્ષ સ્થાપવાની તૈયારીમાં છે કારણ કે તેઓ રાહુલ ગાંધીના નજીકના મનાતા અશોક તન્વરને પ્રદેશ કૉંગ્રેસ સમિતિના વડા તરીકે નહીં હટાવવા માટે કૉંગ્રેસ વરિષ્ઠ મંડળથી નારાજ છે. નારાજ થયેલા હૂડાએ 18 અૉગસ્ટના રવિવારે એક જાહેર રૅલીનું આયોજન કર્યું છે જેમાં તેમણે કૉંગ્રેસના નેતાઓને આમંત્રણ આપ્યું નથી જેને તાકાતના પ્રદર્શન તરીકે જોવામાં આવે છે. તેમના પુત્ર અને લોકસભાના ભૂતપૂર્વ સાંસદ ડીપેન્દરે જમ્મુ-કાશ્મીરમાં ખાસ દરજ્જાને નાબૂદ કરવાનાં પગલાંને ટેકો જાહેર કરતાં અસંતોષનો એક વધુ સંકેત મળી રહ્યો છે. જોકે, ગુરુવારે જ્યારે સોનિયા ગાંધીએ પક્ષના વડામથકે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ત્યારે હૂડા ત્યાં હાજર હતા.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હૂડાના રૅલી યોજવાનાં પગલાંથી અૉક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય કૉંગ્રેસના ભાગલા પાડી એક પ્રાદેશિક પક્ષની રચના કરવામાં આવે છે કે કેમ એવો સવાલ ઊભો થઈ રહ્યો છે કે પછી ચૂંટણી પહેલાંની એક પ્રકારની સોદાબાજી છે.
કેટલાક જમીન સોદાઓમાં કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસનો સામનો કરી રહેલા હૂડાની રોહતકની આ યોજનાએ કૉંગ્રેસમાં એવી ચર્ચાને જન્મ આપ્યો છે કે શું ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હૂડા કૉંગ્રેસમાંથી નીકળી જવા દબાણ હેઠળ છે કે કેમ?
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના રાજ્ય એકમના વડા તરીકે બાલાસાહેબ થોરાતની રાહુલ ગાંધી દ્વારા નિમણૂકથી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણનું જૂથ નારાજ થયું હોવાનું કહેવાય છે.
કૉંગ્રેસીઓની સાથે સાથે સોનિયા ગાંધી સામે કૉંગ્રેસ કરતાં વધુ સારો દેખાવ કરનારી શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ સાથે વાટાઘાટો કરવાનો પણ પડકાર છે.
ગયા સપ્તાહે ઝારખંડ કૉંગ્રેસના વડા અજોય કુમારે હોદ્દા પરથી રાજીનામું આપવાનો ઇનકાર કરીને અને પક્ષનાં હિતોની વિરુદ્ધમાં કામ કરવા છિછરા રાજકારણનો આશરો લેવાનો વરિષ્ઠ નેતાઓ સુબોધકાંત સહાય અને પ્રદીપ બલમુચુ પર આરોપ મૂકતાં કૉંગ્રેસની મુશ્કેલીઓ વધારી દીધી છે.
દિલ્હીમાં જૂથવાદનો સામનો કરી રહેલી કૉંગ્રેસ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતના અવસાન બાદ નેતાગીરીમાં અચાનક ઊભા થયેલા શૂન્યાવકાશથી ઝઝૂમી રહી છે, કારણ કે દિલ્હીમાં કૉંગ્રેસનો ચહેરો કોણ હશે તે અંગે મોટો સવાલ ઊભો થયો છે.
Published on: Sat, 17 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer