મુંબઈ પોલીસ કમિશનરપદે મહિલા અફસરને બેસાડાશે?

મુંબઈ પોલીસ કમિશનરપદે મહિલા અફસરને બેસાડાશે?
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : મુંબઈના પોલીસ કમિશનર સંજય બર્વે 31 અૉગસ્ટના નિવૃત થવાના છે એટલે આ પ્રતિષ્ઠિત પદ પર કોની નિમણૂક થશે એની અટકળો શરૂ થઈ ગઈ છે. કમિશનર પદ માટે 29 અધિકારીઓમાંથી ત્રણ જણનાં નામની જોરદાર
ચર્ચા છે.
આમાં મહારાષ્ટ્રના ગુપ્તચર યંત્રણાનાં કમિશનર રશ્મિ શુકલાના નામનો પણ સમાવેશ છે. એ ઉપરાંત એન્ટિકરપ્શન બ્યુરોના મહાસંચાલક પરમબીર સિંહ અને પુણેના પોલીસ કમિશનર ડૉ. કે. વ્યંકટેશમના નામની ચર્ચા છે. આ ત્રણે 1988ના આઈપીએસ બેચના છે.
રશ્મિ શુકલા પુણે વિભાગનાં કમિશનર હતાં. અત્યારે તેઓ ગુપ્તચર યંત્રણાનાં કમિશનર છે. મુંબઈનાં પોલીસ કમિશનર પદે તેમની નિમણૂક જો થઈ તો આ પદ પર બેસનાર તેઓ પ્રથમ મહિલા પોલીસ અધિકારી બનશે. ડૉ. વ્યંકટેશ નાગપુર વિભાગના કમિશનરનો પણ કાર્યભાર સંભાળી ચૂકયા છે.
તો પરમબીર સિંહ આ પહેલાં પણ કમિશનર માટેની હોડમાં હતા. મુખ્ય પ્રધાને તેમના નામની અવગણના કરી સંજય બર્વેને કમિશનર પદે બેસાડયા હતા! તેઓ થાણેના પોલીસ કમિશનર પણ હતા. પરમબીર સિંહ અત્યારે એન્ટિકરપ્શન બ્યુરોના મહાસંચાલક છે.
દરમિયાન સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કમિશનર સંજય બર્વેને એક્સટેન્શન આપી શકે છે.
Published on: Sat, 17 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer