ટ્રમ્પે ઈમરાનને કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવા ભારત સાથે વાતચીત કરવા કહ્યું

વાશિંગ્ટન, તા. 17 : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સલાહ આપી છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને શુક્રવારે ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. તે દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, કાશ્મીર મુદ્દે કોઈ પણ વિવાદનો ઉકેલ લાવવા માટે પાકિસ્તાન તેમના તરફથી ભારત સાથે વાતચીત શરૂ કરે. હકીકતમાં કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવા મુદ્દે શુક્રવારે યુએનની ગુપ્ત બેઠક રાખવામાં આવી હતી. આ પહેલાં જ ઈમરાન ખાને ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી અમેરિકાને પોતાના પક્ષમાં કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ટ્રમ્પે આને દ્વીપક્ષીય મુદ્દો ગણાવીને પાકિસ્તાનની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. 
વ્હાઈટ હાઉસના ડૅપ્યુટી પ્રેસ સેક્રેટરી હોગન ગિડલે તરફથી આપવામાં આવેલા નિવેદન પ્રમાણે ટ્રમ્પ અને ઈમરાન વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલી હલચલ વિશે વાત થઈ હતી. ટ્રમ્પે આ દરમિયાન ઈમરાન ખાનને સલાહ આપી હતી કે જો પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર ભારત સાથે તણાવ ઓછો કરવા માગતા હોય તો તેમણે દ્વીપક્ષીય વાતચીતનું મહત્ત્વ સમજવું પડશે. 

Published on: Sat, 17 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer