ટીવી ચૅનલોના રેટ ઘટાડવા પડશે

ટીવી ચૅનલોના રેટ ઘટાડવા પડશે
નવી દિલ્હી, તા. 17 : ભારતના ટેલિકોમ રેગ્યુલેટર - ટેલિકોમ રેગ્યુલેટરી અૉથોરિટી અૉફ ઈન્ડિયા લિ. (ટ્રાઈ)એ આઠ મહિના પૂર્વે તેણે અમલી બનાવેલા બ્રોડકાસ્ટ ટેરિફ રિજાઈમની સમીક્ષા કરવાનું શરૂ કર્યું છે. ટીવી દર્શકોની ઊંચા બિલો ઉપરાંત પોતાને જોઈતી ચેનલ જોવામાં થતી તકલીફો અંગે કરાયેલી ફરિયાદો પર `ટ્રાઈ'એ આ પગલું લીધું છે.
સમીક્ષાનો ઉદ્દેશ ચેનલની સહેલાઈથી પસંદગી તેમ જ સંભવત: બિલની રકમ નીચે લાવવાનો હોવાનું કેટલાક નિષ્ણાતોએ જણાવ્યું હતું. ટ્રાઈએ બ્રોડકાસ્ટરોને અને કૅબલ અૉપરેટરોને વધુ કમાણી માટે નવા કાયદાનો દુરુપયોગ કરવા બદલ ઠપકો પણ આપ્યો હતો.
ટ્રાઈએ ગઈ કાલે એક વ્યાપક કન્સલ્ટેશન પેપર જારી કર્યું હતું. જેમાં આશરે 30 સવાલો પૂછવામાં આવ્યા હતા. તેણે એવા સવાલો કર્યા હતા કે ચેનલ બુકેને મંજૂરી આપવી જોઈએ કે નહીં તેમ જ ગ્રાહકોને બુકેની અંદર અપાતા વળતર પર પ્રતિબંધ મૂકવો જોઈએ કે નહીં અને બુકેમાં ચેનલોની ટોચની કિંમતનું પુન: પરીક્ષણ કરવું કે નહીં - જે અત્યારે 19 રૂપિયા છે.
ટ્રાઈએ સંયુક્ત રીતે ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ અૉપરેટર્સ (ડીપીઓ) તરીકે ઓળખાતા કૅબલ અૉપરેટરો અને ડીટીએચ પ્રોવાઈડર્સને તેમ જ બ્રોડકાસ્ટર્સને બુકેની બહાર લોકપ્રિય અલા-કાર્ટે ચેનલના ગ્રાહકો પાસેથી વધુ પૈસાની માગણી નહીં કરવાનું આહ્વાન કર્યું હતું. ચેનલ ગ્રુપની સંખ્યા છેતરામણી હોવાનું તેણે જણાવ્યું હતું.
બ્રોડકાસ્ટરો અને ડીપીઓ મોટી સંખ્યામાં બુકેની ઓફર કરે છે. જેથી ગ્રાહકો મૂંઝવણમાં પડી જાય છે, એમ ટ્રાઈના સેક્રેટરી એસ. કે. ગુપ્તાએ જણાવ્યું હતું. ટ્રાઈએ પોર્ટિંગ ફી રૂા. 5.74 લગાડવાનું સૂચન કરતાં નવા દરો 30 સપ્ટેમ્બરથી લાગુ કરવા જણાવ્યું હતું.
ટ્રાઈ દ્વારા કરાઈ રહેલી આ વિચારણા અને દરખાસ્ત મોબાઈલ નંબર પોર્ટેબિલિટી માટેના તેના ડ્રાફટ એમેન્ડમેન્ટ રેગ્યુલેશન્સનો એક હિસ્સો છે.

Published on: Sat, 17 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer