અૉલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટ મહિલા ટીમે નં. વન

અૉલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટ મહિલા ટીમે નં. વન
અૉસ્ટ્રેલિયાને 2-2ની બરાબરી પર અટકાવ્યું પુરુષ ટીમનો મલેશિયા સામે 6-0 ગોલથી જોરદાર વિજય

ટોકિયો, તા.18: ભારતીય મહિલા હોકી ટીમે સતત બે ગોલથી પાછળ રહ્યા બાદ વાપસી કરીને આજે અહીં રમાયેલા ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટના રાઉન્ડ રોબિન લીગ મેચમાં દુનિયાની નંબર વન ટીમ ઓસ્ટ્રેલિયાને 2-2ની બરાબરી પર રોકી હતી. ટૂર્નામેન્ટમાં પોતાના બીજા મેચમાં ભારત માટે વંદના કટારિયા (36મી મિનિટ) અને ગુરજીત કૌર (59મી મિનિટ)એ ગોલ કર્યાં હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી કેટલિન નોબ્સે 14મી અને ગ્રેસ સ્ટીવર્ટે 43મી મિનિટે ગોલ કર્યાં હતા. આ પહેલા શનિવારે ભારતીય મહિલા હોકી ટીમે જાપાનને 2-1થી હાર આપી હતી. આજે રમાયેલા મેચમાં ભારતની ગોલકીપર સવિતાએ શાનદાર દેખાવ કર્યોં હતો. જેથી ઓસ્ટ્રેલિયાની ટીમ વધુ ગોલ કરવામાં સફળ રહી ન હતી. ભારતીય મહિલા ટીમ તેનો ત્રીજો અને આખરી લીગ મેચ મંગળવારે ચીન સામે રમશે. 
મનદિપ સિંઘ અને ગુરસાહિબજીત સિંઘના બે-બે ગોલની મદદથી ભારતીય પુરુષ હોકી ટીમે ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટના તેના પહેલા લીગ મેચમાં મલેશિયા સામે 6-0 ગોલથી જોરદાર જીત હાંસલ કરી હતી. ગુરિંદર સિંઘ અને એસવી સુનિલ ભારત તરફથી 1-1 ગોલ કર્યાં હતા. આ મેચમાં ભારતે મલેશિયા સામે આક્રમક રણનીતિ અખત્યાર કરી હતી. મેચની 8મી મિનિટે પેનલ્ટી કોર્નરથી પહેલો ગોલ કરીને ભારતીય ટીમે દબદબો બનાવ્યો હતો. જે અંત સુધી કાયમ રહયો હતો. ભારતની બીજા મેચમાં ટક્કર ન્યુઝીલેન્ડ સામે થશે.
Published on: Mon, 19 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer