મંદીમાં અૉટો સેક્ટર; લાખો બેરોજગાર થવાનો ભય

નવી દિલ્હી, તા. 18 : દેશમાં ઓટોમોબાઇલ સેકટર માટે સ્પેર સ્પાર્ટસ બનાવનારા 57 અરબ ડોલરના ઓટો કમ્પોનેન્ટ સેકટર પર સંકટનાં વાદળો છવાયેલાં છે. આ સેકટરનું દેશના જીડીપીમાં 2.3 ટકાનું યોગદાન છે, એવું માનવામાં આવી રહ્યું છે કે, આગામી ત્રણ મહિનામાં આ ક્ષેત્રમાં લાખો લોકોના રોજગારનું સંકટ ઊભું થઇ શકે છે. આનું કારણ છે કે સમગ્ર ઓટો સેકટરમાં મંદી છવાયેલી છે. વેચાણ ન થવાથી આ સેક્ટરમાં વેચાણ ક્ષેત્રની નોકરીઓ ઉપરાંત ટેકનિકલ, પેઇન્ટિંગ, વેલ્ડિંગ, કાસ્ટિંગ, પ્રોડકશન ટેકનોલોજી અને બીજા કામો પર જોખમ ઊભું થઇ ગયું છે.
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કંપનીઓ પર તેની અસર આવવી શરૂ થઇ છે. ઓટો કંપનીઓ દ્વારા તેમને પાર્ટસ માટે પૂરતા ઓર્ડર નથી મળી રહ્યા, જેનાથી નાણાકીય સ્થિતિ પર પણ જોખમ તોળાઇ રહ્યું છે. એટલે સુધી કે, કેટલીક કંપનીઓએ પણ ઓટો કંપનીઓની જેમ પોતાનાં કામના કલાકોમાં પણ ઘટાડો કરી નાખ્યો છે. આ સાથે નવી ભરતી પર પણ રોક લગાડી દેવામાં આવી છે.
જાણકારોના જણાવ્યા મુજબ લેહમન બ્રધર્સ દ્વારા દેવાળું ફૂંકવામાં આવ્યા બાદ હવે વૈશ્વિક આર્થિક મંદીના 11 વર્ષ બાદ ફરી એકવાર આર્થિક સંકટનાં વાદળો ઘેરાઇ રહ્યાં છે. દુનિયામાં ફરી એકવાર આર્થિક સંકટ આવે તેવા સંકેત દેખાઇ રહ્યા છે.
હાલમાં ચોક્કસપણે કોઇ પણ આર્થિક નિષ્ણાત આ બાબત કહેવાની સ્થિતિમાં નથી, પરંતુ કેટલાક એવા સંકેત મળી રહ્યા છે જેનાથી અર્થશાત્રીઓ પરેશાન દેખાઇ રહ્યા છે. 2008ના આર્થિક સંકટથી નીકળવા દુનિયાભરની  કેન્દ્રીય બેન્કો હાલમાં મોટાપાયે નોટ પ્રકાશિત કરી રહી છે. આમાંથી મોટાભાગના નાણાકીય બજારમાં સ્થિતિ સુધારવાના પ્રયાસ થઇ રહ્યા છે. આશરે 290 ટ્રિલિયન ડોલર અથવા તો આશરે 20942350 લાખ કરોડ રૂપિયા નાણાકીય બજાર અથવા તો શેરબજાર, બોન્ડ અને નાણાકીય સંપત્તિમાં આવી ગયા છે. આ ઉપરાંત કેન્દ્રીય બેન્કોએ વ્યાજદરને ઓછો રાખ્યો છે.
Published on: Mon, 19 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer