આઇએલ ઍન્ડ એફએસ કૌભાંડ

ડિરેકટરોની રૂા. 570 કરોડની મિલકતો ટાંચમાં

નવી દિલ્હી, તા. 18: એન્ફોર્સમેન્ટ ડિરેકટોરે આજે ઇન્ફ્રાસ્ટ્રચકર લીઝીંગ એન્ડ ફાઇનાન્સીયલ સર્વિસિઝ (આઇએલ એન્ડ એફએસ) લી.ના નાણાંની ગેરકાયદેસર હેરફેરના કેસમાં સર્વપ્રથમ ચાર્જશીટ રજૂ કર્યું હતું અને કંપનીના ડિરેકટરોના દિલ્હી, મુંબઇ, ચેન્નઇ અને બ્રસેલ્સ (બેલ્જીયમ) ખાતે આવેલ સ્થાવર મિલકતો અને બેન્ક ખાતા સહિત રૂા.570 કરોડની મિલકતો ટાંચમાં લીધી હતી.
આઇએલ એન્ડ એફએસ ફાઇનાન્સીયલ સર્વિસિસ (આઇએફઆઇએન) જે ડિરેકટરોની મિલકતો ટાંચમાં લેવાઇ તેમાં રવિ પાર્થસારથી, રમેશ બાવા, હરિ સંકરમ, અરૂણ સદા અને રામચંદ કરૂણાકરણનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત શિવસંકરને પોતાના પરિવારના સભ્યોના નામે અને ગ્રુપ કંપનીઓના નામે રાખેલ બેન્ક ખાતાઓ અને સ્થાવર મિલકતો પણ ટાંચમાં લેવાઇ છે. આ બધુ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એકટ (પીએમએલએ- નાણાની ગેરકાયદે હેરફેર અટકાવવાના કાયદા) હેઠળ ટાંચમાં લેવાયું છે.
ઇડીએ 19 ફેબ્રુઆરીએ આઇએફ એન્ડ એલએસની વિવિધ ગ્રુપ કંપનીઓ સામે પીએમએલએ હેઠળ કેસ નોંધ્યો હતો. તેની તપાસમાં એવું ખૂલ્યું કે, આઇએલ એન્ડ એફએસના સિનિયર મેનેજમેન્ટની વિવિધ કૃત્યોમાં સંડોવણી છે કે જે કૃત્યો કંપનીના ભોગે તેમને ગેરકાયદે અંગત લાભો આપે છે. આ બધાએ એકબીજાના મેળાપીપણામાં એવી કંપનીઓને નાણા ધીર્યા કે જે આર્થિક મુશ્કેલીમાં હતી.
Published on: Mon, 19 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer