આતંકવાદી હુમલાની દહેશતને પગલે

ગુજરાત-રાજસ્થાનની રતનપુર બૉર્ડર સીલ કરાઈ
 
બૉર્ડર પાસે પોલીસ સાથે એસઆરપીની હથિયારધારી ટુકડી તહેનાત, ટ્રક સહિતનાં વાહનોની સઘન તપાસ 

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 18 : કાશ્મીરમાંથી 370ની કલમ રદ કરાતાં જ ભારતભરમાં આતંકવાદી હુમલાની દહેશત છે ત્યારે ગુજરાતમાં પણ આતંકવાદી હુમલાને લઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આતંકવાદી હુમલાની દહેશતને કારણે બોર્ડર હાઇ એલર્ટને પગલે ગુજરાત-રાજસ્થાનની  રતનપુર બોર્ડર સીલ કરાઇ છે. બોર્ડર પાસે પોલીસ સાથે એસઆરપીની હથિયારધારી ટુકડી તહેનાત કરાઇ છે. હાલ તમામ વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. 
રાજ્યના ડીજીપીના આદેશ બાદ રાજસ્થાન અને ગુજરાતને જોડતી અરવલ્લી જિલ્લાની રતનપુર ચેકપોસ્ટ ઉપર 30 જેટલા હથિયારધારી એસઆરપી જવાનોની ટુકડી બોર્ડર પર ખડકી દેવામાં આવી છે તેમ જ પોલીસ જવાનોને બુલેટપ્રૂફ જેકેટ સુરક્ષા માટે પૂરા પાડવામાં આવ્યા છે. 
રાજસ્થાનમાં પ્રવેશતા અને ગુજરાતમાંથી રાજસ્થાન જતાં તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ ંછે. શામળાજી પોલીસને તમામ વાહનોની તપાસ કરવાની સૂચના આપી દેવાઇ છે. હાલ બોર્ડર પાસે ટ્રક સહિત વાહનોની સઘન તપાસ ચાલી રહી છે. ડીજીપીના આદેશ બાદ સરહદ સીલ કરાઇ છે.
Published on: Mon, 19 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer