ટ્રાફિક કૉન્સ્ટેબલ સાથે ગેરવર્તણૂકનું પ્રકરણ

આરોપી યુવકે કોર્ટમાં પોતે દલીલ કરીને ગુનો રદ કરાવ્યો

મુંબઈ, તા. 18 : મરીનડ્રાઇવ ઉપર પાર્કિંગના મુદ્દે પોલીસ કૉન્સ્ટેબલ સાથે ગેરવર્તણૂક કરવા બદલ ગ્રાન્ટ રોડના રહેવાસી ધ્રુવ એ. પારેખ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે, ધ્રુવ પારેખે મૅજિસ્ટ્રેટની અદાલતમાં પોતે કેસ લડયા હતા. તેના પગલે જજે તેમને દોષમુક્ત કર્યા છે.
વર્ષ 2013માં પારેખ 22 વર્ષના હતા. ત્યારે મરીનડ્રાઇવમાં વાહન ઊભું રાખવાની બાબતે પોલીસ કૉન્સ્ટેબલ સાથે દલીલ કરવા બદલ તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
ટ્રાફિક કૉન્સ્ટેબલ સંજય શ્રીધરની પારેખ દ્વારા ઊલટતપાસ લેવામાં આવી ત્યારે તેણે કબૂલ કર્યું હતું કે ધ્રુવ પારેખ એ ઊંચા અવાજે વાત કરી નહોતી અથવા હાથ ઊંચો કર્યો નહોતો. પારેખએ ઘટનાને નજરે જોનાર સાક્ષી તરીકે હોટેલમાં કામ કરતાં વ્યક્તિને રજૂ કર્યો હતો. તેણે અદાલતમાં જણાવ્યું હતું કે ટ્રાફિક કૉન્સ્ટેબલે જ ઊંચા અવાજે વાત કરી હતી અને ઉદ્ધતાઈપૂર્વક વર્તન કર્યું હતું.
જજે પારેખને આ કેસમાં દોષમુક્ત કરતાં ટ્રાફિક કૉન્સ્ટેબલની વર્તણૂક વિશે કોઈ ટીપ્પણ કરી નહોતી. જોકે, જજે જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષ પોતાના કેસ શંકા રહિત રીતે રજૂ કરવામાં નિષ્ફળ નીવડયો છે. ફરિયાદ પક્ષ ઘટનાને નજરે જોનારા સાક્ષીઓ મારફતે પોતાની રજૂઆત પુરવાર કરવામાં  નિષ્ફળ નીવડયો છે. તેથી વિપરીત ઘટના સમયે હાજર બચાવ પક્ષના સાક્ષીએ જણાવ્યું છે કે આરોપીએ તેનું લાઇસન્સ બતાવ્યું હતું. આ સંજોગોમાં માત્ર માહિતી આપનાર વ્યક્તિ ઉપર આધાર રાખી શકાય નહીં.
આ કેસમાં માત્ર શ્રીધર અને ઇન્વેસ્ટિગેટિંગ અૉફિસર ફરિયાદ પક્ષના સમક્ષ તરીકે રજૂ થયા હતા. તે અંગે અદાલતે પૂછ્યું હતું કે આ બનાવ જાહેર સ્થળે બન્યો ત્યારે માટે માત્ર બે પોલીસો અદાલત સમક્ષ હાજર થયા હતા.
શ્રીધરે અદાલત સમક્ષ જણાવ્યું હતું કે 28મી ડિસેમ્બર, 2013ના દિવસે તે ગિરગામ ચોપાટી પાસે ફરજ ઉપર હતો. ત્યારે બપોરે મરીનડ્રાઇવ ઉપર કાફે આઈડિયલ પાસે ડાબા વળાંક ઉપર વાહન ઊભું રાખવામાં આવ્યું હોવાનું જોયું હતું. તેના કારણે વાહનોની અવરજવરમાં અવરોધ ઊભો થતો હોવાથી મેં ડ્રાઇવરની બેઠક ઉપર બેસેલી મહિલાને કાર હટાવવાનું કહ્યું હતું. તેથી તેમણે કાર મરીનડ્રાઇવ તરફ હંકારી અને તે રેસ્ટોરંટ પાસે ઊભી રહી હતી.
મેં તમની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ માગ્યું હતું તે સમયે પારેખ ત્યાં આવ્યા અને તેમણે ડ્રાઇવરની સીટમાં બેસેલી મહિલાને આઈસક્રીમ આપી હતી. તેમણે પૂછ્યું હતું કે ડ્રાઇવિંગ લાઇસન્સની શું જરૂર છે અને તે મહિલાને લાઇસન્સ નહીં આપવાનું કહ્યું હતું. શ્રીધરે દાવો કર્યો હતો કે પારેખએ ઊંચા અવાજે કહ્યું હતું કે તમારે જે કરવું હોય એ કરો પણ હું લાઇસન્સ નહીં આપું. તેણે બીટ માર્શલની મદદ માગી હતી. બાદમાં પારેખ અને તેમની કારને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા અને એફઆઈઆર નોંધવામાં આવી હતી, એમ શ્રીધરે ઉમેર્યું હતું.
પારેખે આક્ષેપોનો ઇનકાર કર્યો હતો.
Published on: Mon, 19 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer