પુલના સમારકામ માટે પશ્ચિમ રેલવે પાસે પૈસા નથી !

મુંબઈ, તા. 18 : છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) પાસેનો ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) પડવાની દુર્ઘટના બાદ રેલવેએ પશ્ચિમ અને મધ્ય રેલવેના બધા જ જૂના એફઓબી અને પુલોનું સમારકામ કરાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ આ બ્રિજના સમારકામ કરાવવા કે નવા બ્રિજ બાંધવા માટે પશ્ચિમ રેલવે પાસે ભંડોળ જ નથી. ડિવિઝનલ રેલવે મૅનેજર સુનિલ કુમારે પશ્ચિમ રેલવે મુંબઈના મુખ્ય કાર્યાલયને આઠ અૉગસ્ટે લખેલા પત્રમા કહ્યું હતું કે, એફઓબીના સમારકામ માટે ડિવિઝનને આપવામાં આવેલો ભંડોળ વપરાઈ ગયો છે. તેટલું જ નહીં પણ વધારાના ચાર કરોડ રૂપિયાનો ખર્ચ પણ અત્યાર સુધી કરી દીધો છે.
સીએસએમટી એફઓબી દુર્ઘટના બાદ રેલવેપ્રધાન પીયૂષ ગોયલે પશ્ચિમ અને મધ્ય રલેવેના બધા જ એફઓબીમાં જરૂરિયાત મુજબ સમારકામ કરાવવું અથવા નવા બનાવવા તેવો આદેશ આપ્યો હતો. મુંબઈ ક્ષેત્રના એફઓબીના સમારકામ માટે પશ્ચિમ રેલવેને 2019-20 ના આર્થિક બજેટમાં 5.37 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. અત્યાર સુધી 9.27 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે અને આર્થિક વર્ષમાં હજી આઠ મહિના બાકી છે. 
પશ્ચિમ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, હજી તો ઘણા એફઓબીના સમારકામ કરાવવાના બાકી છે. આર્થિક વર્ષમાં આઠ મહિના બાકી હોય અને ભંડોળ ખુટી જાય તેના પરથી સમજી શકાય છે કે રેલવેના એફઓબીની હાલત કેટલી કથળી ગઈ હશે. તેમાં પણ મલાડ, માહિમ, મરીનલાઈન્સ અને ચર્નીરોડના એફઓબીનું કામ હજી બાકી છે. 
પત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, ભંડોળ નહીં હોય તો એફઓબીનું સમારકામ નહીં કરી શકાય અને પ્રવાસીઓ માટે તે જોખમી સાબિત થઈ શકે છે. જ્યારે પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવીન્દ્ર ભાકરે કહ્યું હતું કે, પ્રવાસીઓની સુરક્ષા જોખમમાં મુકે તેવા કાર્યો પહેલા કરવામાં આવશે અને તે માટે કોઈ જ ભંડોળની અછત નથી. દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં નવો ભંડોળ ફાળવવામાં આવે છે.
Published on: Mon, 19 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer