ગોરેગામ મોતીલાલ નગરના સેલ્ફ રિડેવલપમેન્ટની

ગોરેગામ મોતીલાલ નગરના સેલ્ફ રિડેવલપમેન્ટની
રહેવાસીઓની માગણી મ્હાડાએ ફગાવી
 
મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલોપમેન્ટ અૉથોરિટી (મ્હાડા)એ ગોરેગામના મોતીલાલ નગરનું સ્વયં રિડેવલપમેન્ટ કરવાની રહેવાસીઓની માગણીને ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે 128 એકરના આ પ્રોજેક્ટનું તે રિડેવલપમેન્ટ કરશે.
મ્હાડાના મુંબઈ બોર્ડના ચૅરમૅન મધુ ચવ્હાણે જણાવ્યું હતું કે, અમે આ પ્રોજેક્ટ હાથ ધરશું. આ અમારી જમીન છે અને અમે રહેવાસીઓને અન્ય શ્રેષ્ઠ સુવિધાઓની સાથે સાથે 1200 ચોરસ ફૂટનાં ઘરો પૂરાં પાડશું. અમે `માઇક્રો સિટી'નું નિર્માણ કરી રહ્યા છીએ જે સેલ્ફ રિડેવલપમેન્ટ દ્વારા શક્ય નથી.
જનકલ્યાણકારી સમિતિના નેજા હેઠળ એકઠા થયેલા રહેવાસીઓ પર ચવ્હાણે બીલ્ડરો વતીથી આ પ્રોજેક્ટને વિલંબમાં નાખવાનો પ્રયાસ કરવાનો રહેવાસીઓ પર આરોપ મૂક્યો હતો.
મ્હાડાએ રૂપિયા 30 હજાર કરોડના આ પ્રોજેક્ટ માટે પીઢ આર્કિટેક્ટ પી. કે. દાસની નિમણૂક કરી છે અને આ પ્રોજેક્ટ હેઠળ 40 હજાર જેટલા પરવડી શકે એવાં ઘરોનું નિર્માણ કરવામાં આવશે અને લૉટરી દ્વારા વેચવામાં આવશે.
3628 જેટલા વર્તમાન રહેવાસીઓને ઘર આપવા ઉપરાંત આ પ્રોજેક્ટ હેઠળ મહિલાઓની હોસ્ટેલ, બાળગૃહ અને બે નાની હૉસ્પિટલો પણ બાંધવામાં આવશે.
જોકે, જનકલ્યાણકારી સમિતિએ આ પ્રોજેક્ટને ઠેબે ચડાવવાનો મ્હાડા પર આરોપ મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, રહેવાસીઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. અમારા પ્રાથમિક અભ્યાસમાં એવું જણાવ્યું છે કે, રહેવાસીઓને સરળતાથી 1500થી 2500 ચોરસ ફૂટના ઘર મળી શકે તેમ છે. તેમ જ રૂપિયા 25 લાખનું કોરપસ ફંડ મળી શકે તેમ છે જો અમે સ્વયં રિડેવલપમેન્ટ કરીએ તો, એમ સમિતિના સંયુક્ત સચિવ ગૌરવ રાણેએ જણાવ્યું હતું.
Published on: Mon, 19 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer