24 કલાકમાં જ જમ્મુના પાંચ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ

24 કલાકમાં જ જમ્મુના પાંચ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ
અફવાઓ અને ઉશ્કેરણી ફેલાતી અટકાવવા માટે ફરી મુકાયો પ્રતિબંધ

જમ્મુ, તા.18 : જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા સાથે તેને કેન્દ્ર શાસિત પ્રદેશ ઘોષિત કરવાની કાર્યવાહીનાં પગલે ઉપદ્રવની આશંકાએ સ્થગિત કરવામાં આવેલી દૂરસંચાર સેવાઓ શુક્રવારે રાતે બહાલ કરી દેવામાં આવી હતી. જો કે 24 કલાકનાં ગાળામાં જ જમ્મુનાં પાંચ જિલ્લામાં ફરીથી મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરવાની ફરજ પડી છે.
અફવાઓ ફેલાતી રોકવા માટે સાવધાનીનાં ભાગરૂપે મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. જો કે સ્થિતિમાં સુધાર જણાતાં તબક્કાવાર સેવાઓ પુન:સ્થાપિત કરવામાં આવી રહી હતી ત્યારે આજે ફરીથી જમ્મુ, સાંબા, કઠુઆર, ઉધમપુર અને રિયાસીમાં આ સેવાઓ સ્થગિત કરી દેવી પડી છે.
પોલીસનાં કહેવા અનુસાર સંબંધિત અધિકારીઓ તરફથી આજે બપોરે ઈન્ટરનેટ સેવા બંધ કરવાનાં નિર્દેશો આપી દેવામાં આવ્યા છે અને અફવા તથા ઉશ્કેરણીઓ રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. આશરે એક પખવાડિયાનાં ગાળા બાદ ઈન્ટરનેટ સેવા પૂર્વવત્ત કરવામાં આવી હતી જે 24 કલાકનાં ગાળામાં જ ફરીથી પાંચ જિલ્લામાં બંધ કરવી પડી છે. 

Published on: Mon, 19 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer