ઉત્તર ભારતમાં આભથી આફત, 39નાં મોત હિમાચલમાં પૂરપ્રકોપ

ઉત્તર ભારતમાં આભથી આફત, 39નાં મોત હિમાચલમાં પૂરપ્રકોપ
શિમલા/ધર્મશાલા/નવી દિલ્હી, તા. 18 : ઉત્તર ભારતના અનેક ભાગોમાં વરસાદે જનજીવનને પરેશાન કરી નાખ્યું છે. ભારે તારાજી વેઠનાર હિમાચલપ્રદેશના વિવિધ વિસ્તારોમાં આભેથી આફત વરસતાં પૂરપ્રકોપથી જનજીવન પરેશાન થઇ ગયું છે. હિમાચલ અને ઉત્તરાખંડ બન્ને રાજ્યમાં વરસાદથી પૂર, ભૂસ્ખલન સહિત ઘટનાઓમાં 39 જણનાં મોત થઇ ચૂકયાં છે.
આભેથી આફત વરસતાં આ ઉત્તર ભારતીય રાજ્યોમાં 39 જણનાં મોત થઈ ચૂકયાં છે. હિમાચલપ્રદેશમાં શાળા, કોલેજ,  તમામ સરકારી, ખાનગી શિક્ષણ સંસ્થાઓ સોમવારે બંધ રાખવાનો આદેશ અપાયો હતો. ઉત્તરાખંડમાં ફસાયેલા માનસરોવરર યાત્રીઓની મદદ માટે એસડીઆરએફના જવાનોની ટીમ ઊતરી પડી હતી.  હિમાચલના મંડી જિલ્લામાં રસ્તા પર પૂરનું પાણીએ હદે વધી ગયું હતું કે કારો તરતી દેખાઈ હતી. 
હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદનો દોર જારી રહેવાનું એલર્ટ આપ્યું હોવાથી આવતીકાલે સોમવારે ઉત્તરાખંડના ઉત્તર કાશી, નૈનીતાલ, દહેરાદૂન, ચમોલી, પૌડીમાં શાળા, કોલેજો બંધ રહેશે.
દેશભરમાં પૂર અને વરસાદનો કહેર જારી છે. કર્ણાટકમાં મૃતકાંક વધીને 76 પર પહોંચ્યો હતો. કેરળ, કણાટકમાં પણ સ્થિતિ હજુ વણસેલી છે. કેરળ, કર્ણાટકમાં હજુ અતિ ભારે વરસાદની આગાહી છે.
અનેક જિલ્લાઓમાં પૂરના કારણે ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. પૂરપ્રકોપ અને ભૂસ્ખલનના કારણે 323 રસ્તા તેમજ રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-પાંચ પર વાહનોની અવરજવર બંધ કરી દેવાઈ છે.
બીજીતરફ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટતાં ભારે તબાહીના સમાચાર મળી રહ્યા છે. સ્થાનિકોએ કહ્યું હતું કે, વાદળ ફાટતાં અનેક લોકો પાણી સાથે વહી ગયા છે. શિમલાને અડીને સીમા પાસે ભારે વરસાદ થતાં દોઢ વર્ષની બાળકી સહિત અનેક લોકો લાપતા બન્યા છે. શિમલામાં આરટીઓ કચેરી પાસે તોફાની વરસાદથી ભેખડો ધસતાં ત્રણ જણનાં મોત થયાં હતાં. 
Published on: Mon, 19 Aug 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer