ભારત ઐતિહાસિક પરિવર્તનનાં યુગમાંથી પસાર થઈ રહ્યો છે મોદી

ભારત ઐતિહાસિક પરિવર્તનનાં યુગમાંથી પસાર થઈ રહ્યો છે મોદી
ભુતાન યાત્રાના બીજા દિવસે છાત્રોને વડા પ્રધાનનું સંબોધન

નવીદિલ્હી, તા.18 : ભુતાનનાં બે દિવસીય પ્રવાસમાં આજે બીજા અને અંતિમ દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે રોયલ યુનિવર્સિટી ઓફ ભુતાનનાં છાત્રોને વ્યાખ્યાન આપ્યું હતું અને કહ્યું હતું કે, ભારત આજે ઐતિહાસિક પરિવર્તનનાં કાળમાંથી પસાર થઈ રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે, ભારત અને ભુતાન એકબીજાને જેટલા સારી રીતે સમજે છે તેટલું કદાચ દુનિયાનાં અન્ય કોઈ બે દેશો વચ્ચે જોડાણ હશે નહીં. દિલ્હી અને થિમ્પૂ પોતાનાં લોકોનાં જીવનમાં સમૃદ્ધિ લાવવા માટે પ્રાકૃતિક સહયોગી સમાન છે.
એ સ્વાભાવિક છે કે ભુતાન અને ભારતનાં લોકો વચ્ચે લગાવ છે. બન્ને દેશો વચ્ચે ભૌગોલિક નજદીકી છે સાથોસાથ ઈતિહાસ, સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાઓ પણ અનોખું બંધન ધરાવે છે.
બૌદ્ધ બહુલતા ધરાવતાં આ દેશમાં વડાપ્રધાન મોદીએ આગળ જણાવ્યું હતું કે, ભારત એ ભૂમિ માટે ભાગ્યશાળી છે જ્યાં રાજકુમાર સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ બન્યા હતાં અને તેમનો આધ્યાત્મિક સંદેશ વિશ્વભરમાં ફેલાયો. આગળ મોદીએ ભુતાનનાં પ્રધાનમંત્રી લોટે ત્શેરિંગની હાજરીમાં કહ્યું હતું કે, આના ફળસ્વરૂપે આપણાં સંયુક્ત મૂલ્યો એક સામાન્ય વૈશ્વિક દૃષ્ટિકોણને આકાર આપે છે.
Published on: Mon, 19 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer