સૉલમાં ત્રણ ભારતીયોએ 300 પાકિસ્તાનીને પડકાર્યા

સૉલમાં ત્રણ ભારતીયોએ 300 પાકિસ્તાનીને પડકાર્યા
ભારત વિરુદ્ધ નારેબાજી કરતી ભીડને શાજિયા ઈલ્મીએ આપ્યો જડબાંતોડ જવાબ

નવી દિલ્હી, તા. 18 : જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન દ્વારા સતત નાપાક હરકત કરવામાં આવી રહી છે. જેમાં દક્ષિણ કોરિયાની રાજધાની સૉલમાં આવો જ એક નજારો જોવા મળ્યો હતો. રસ્તાના કિનારે પાકિસ્તાની લોકો કાશ્મીર સંબંધિત બેનરો લઈને ભારત વિરોધી પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન ભાજપના નેતા શાજિયા ઈલ્મી બે અન્ય વ્યક્તિ સાથે પસાર થઈ રહ્યા હતા. જેઓએ 300 જેટલા પાકિસ્તાનીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ઘટના બાદ શાજિયાએ કહ્યું હતું કે, 3 ભારતીઓએ 300 પાકિસ્તાનીને પડકાર ફેંક્યો હતો. 
ટ્વીટર ઉપર જવાબ આપતા શાજિયા ઈલ્મીએ કહ્યું હતું કે, 3 વિરૂદ્ધ 300, 16 ઓગષ્ટના ત્રણ હિન્દુસ્તાની નાગરિકોએ 300 પાકિસ્તાની ભીડને કોરિયાની રાજધાની  સૉલમાં પડકાર ફેંક્યો હતો. એક ઉગ્ર પાકિસ્તાની ભીડ કાળા ઝંડા અને શરમજનક પોસ્ટરો લઈને આર્ટિકલ 370ના વિરોધમાં અભદ્રતાપૂર્ણ પ્રદર્શન કરી રહી હતી. આ ઘટના સંબંધિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં અમુક પાકિસ્તાની આઝાદી લેકે રહેંગે અને મોદી વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કરી રહ્યા હતા.
આ દરમિયાન શાજિયા ઈલ્મી સંઘના અમુક નેતા સાથે પ્રદર્શનકારીઓ વચ્ચે પહોંચે છે અને પોતે ભારતીય હોવાનું કહે છે. આ દરમિયાન પાકિસ્તાની ભીડ વધુ હંગામો કરે છે અને તેનો શાજિયા ઈલ્મી દ્વારા સામો જવાબ આપવામાં આવી રહ્યો છે. 
Published on: Mon, 19 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer