હવે પ્રીફિલ્ડ આઈટી રિટર્ન ઉપલબ્ધ થશે

નવી દિલ્હી, તા. 19 : આવતા વર્ષથી આવકવેરાનું રિટર્ન ભરતી વખતે મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી મેળવેલા ડિવિડન્ડ અથવા ઈક્વિટી પરના લાભ કે નુકસાનની વિગત કે વ્યાજની આવકની વિગત ભરવાની ઝંઝટમાં ન પડવું પડે એ દિશામાં આવકવેરા ખાતું આગળ વધી રહ્યું છે. એટલે કે ટૂંક સમયમાં જ કરદાતાની તેના આઈટી રિટર્ન ફોર્મમાં આ તમામ વિગતો પહેલેથી જ ભરેલી મળશે.
રેવન્યુ વિભાગ આ મુદ્દે માળખું ઘડી કાઢવા સેબી સાથે સલાહ-મસલત કરી રહ્યું છે, જેમાં જે તે વ્યક્તિએ ફક્ત વિગત ચેક કરવાની રહેશે અને ટૅક્સ ભરવાપાત્ર હોય તો ભરી દેવો અને રિટર્ન ફાઈલ કરવાનું રહેશે.
એક સરકારી અધિકારીના જણાવ્યા મુજબ આગામી સ્તર પર પ્રીફિલ્ડ આઈટી રિટર્ન ફોર્મ લાગુ કરવા મહેસૂલ વિભાગે બજારના નિયમનકારો-નિષ્ણાતો સાથે વાટાઘાટોની શરૂઆત કરી છે, જેથી કરદાતાની રોકાણ પરના વળતરની વિગતો મેળવી શકાય. આ મુદ્દે સેબી સાથે વાટાઘાટો થઈ રહી છે અને બે રાઉન્ડ થઈ ગયા છે.
કરદાતા માટે આ બાબતને સરળ બનાવવાના સરકારના ઉદ્દેશના ભાગરૂપે આ કવાયત હાથ ધરવામાં આવી છે.
અત્રે યાદ રાખવાનું કે લાખો રિટેલ ઈન્વેસ્ટરો પોતાની મેળે એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને વચમાં રાખ્યા વિના આવકવેરાનું રિટર્ન ભરતા હોય છે.
બૅન્ક પાસે ઘણાખરાં કરદાતાઓના આધાર નંબર અને પેન સાથે સંકળાયેલા આઈડી હોય છે. વ્યક્તિગત કરદાતા પરના માનસિક તેમ જ દોડધામથી દબાણ હળવું કરવાના પ્રયાસ થઈ રહ્યા છે.
ટૅક્સ ફાઈલિંગની પ્રક્રિયા સિસ્ટમેટિક અને સરળ બનાવવાના પ્રયાસરૂપે સરકારે આ પ્રીફિલ્ડ ટૅક્સ રિટર્ન્સ ફોર્મ દાખલ કર્યા છે. આ વર્ષથી આઈટીઆરના વ્યક્તિના વેતનની વિસ્તૃત માહિતી સાથેનું પ્રીફિલ્ડ રજૂ કરાયું છે.
અગાઉ વ્યક્તિ દ્વારા આને લગતી સઘળી માહિતી મેન્યુઅલી રીતે રજૂ કરાતી હતી, પણ મોટી સંખ્યામાં કરદાતાઓની માહિતી આ પ્રીફિલ્ડ પદ્ધતિએ મળતી નથી. આથી આગામી સમયમાં આ ફોર્મ્સનું ચલણ વિસ્તારાશે, કારણ કે સરકારને પણ કરદાતાઓ અંગેની વધુ માહિતીઓ ઉપલબ્ધ બની રહે.
અધિકારીના જણાવ્યા મુજબ પ્રીફિલ્ડ ફોર્મ પગારદાર વ્યક્તિના ફોર્મ-16માંથી તેના સેલરી બ્રેક-અપની વિગતો ટૂંક સમયમાં મેળવવા સક્ષમ બનશે. હાલમાં આ વિગતો જે તે વ્યક્તિએ ભરવાની હોય છે, જે ગૂંચવણ ઊભી કરનારી બની શકે.

Published on: Mon, 19 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer