દેશના અર્થતંત્રના વિકાસલક્ષી નિર્ણયો વડા પ્રધાન લેશે

દેશના અર્થતંત્રના વિકાસલક્ષી નિર્ણયો વડા પ્રધાન લેશે
નવી દિલ્હી, તા. 19 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ અર્થતંત્રની ચાલ જે ધીમી કહો કે સુસ્ત પડી ગઈ છે તેને `લાઈન' પર લાવવા માટે કેટલાક ચકિત કરી દેતા નીતિવિષયક નિર્ણય લે એવી સંભાવના અર્થનિષ્ણાતો જણાવે છે. ટૅકસમાં રાહત અને રોજગારીની સુરક્ષા બની રહે તે સંબંધી સહકારના નિર્ણયોની શરૂઆત આજથી જ થવાની શક્યતા છે.
વડા પ્રધાનની કચેરીના સ્ત્રોતોના જણાવ્યા મુજબ આ નિર્ણયો એવા હશે કે આગળ ઉપર આપણું અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડૉલરનું બનવાનો માર્ગ સરળ બની રહે તેના પર લક્ષ કેન્દ્રિત રહેશે અને તે હેતુ હાંસલ કરવા ઉદ્યોગોને માથે જે ચિંતા છે, સમસ્યાઓ છે તે દૂર કરવા વડા પ્રધાન હસ્તક્ષેપ કરશે અને તે માટે જે તે સંબંધિત વર્તુળો સાથે સીધો સંવાદ પણ કરી શકે એમ છે.
જેમાં સરકારી ખર્ચાઓમાં કાપનો મુદ્દો પણ સમાવિષ્ટ છે, જેમાં મનાય છે કે મંત્રીઓ અને અધિકારીઓ માટેની બિનજરૂરી સેવાઓ અને તેઓના રોજિંદા ખર્ચમાં કાપ મૂકવા અંગે પણ વિચારણા કરાશે. એટલે જ તો વિશેષ કરીને કલ્યાણકારી યોજનાઓના ખર્ચ માટેના ફંડની ઓછપ અનુભવાય નહીં અને અન્ય ઉપાયોમાં મોટો નિર્ણય તો ટૅક્સ વધારા સંબંધી હશે, જે `ગેમચેન્જર' સાબિત થઈ શકે છે. નોકરીની `સલામતી'ના હેતુસરનું વિશેષ પૅકેજ જાહેર કરવાની તૈયારીમાં સરકાર હોવાનું મનાય છે.
જેમાં આમ વર્ગ સાથે ઈન્ડસ્ટ્રીને પણ ટૅકસમાં રાહત આપવાની વિચારણા થઈ રહી છે. ઉદ્યોગોને અલગ પૅકેજ આપીને રોજગારી બચાવાશે. સરકારી ખર્ચમાં કાપ મૂકવા થકી બે વર્ષમાં રૂા. 75,000 કરોડ બચાવી શકાશે.

Published on: Mon, 19 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer