વર્લ્ડ બેડમિન્ટન ચૅમ્પિયનશિપ સિંધુ સેમિ ફાઇનલમાં

વર્લ્ડ બેડમિન્ટન ચૅમ્પિયનશિપ સિંધુ સેમિ ફાઇનલમાં
બાસેલ (સ્વિત્ઝરલેન્ડ) તા.23: ભારતીય સ્ટાર શટલર પીવી સિંઘુ તેનું શાનદાર ફોર્મ જાળવી રાખીને વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના સેમિ ફાઇનલમાં પહોંચી ગઇ છે. જયારે પુરુષ વિભાગમાં યુવા ખેલાડી બી. સાઇ પ્રણિત કવાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. બાકીના સાઇના નેહવાલ અને શ્રીકાંત સહિતના ભારતીય ખેલાડીઓ ટૂર્નામેન્ટના પ્રી. કવાર્ટરમાં હારીને બહાર થઇ ગયા છે. 
દુનિયાની પાંચમા નંબરની ખેલાડી પીવી સિંધુએ કવાર્ટર ફાઇનલના રસાકસી ભર્યાં મુકાબલામાં દુનિયાની બીજા ક્રમની ચીની તાઇપેની ખેલાડી તાઇ જૂ યિંગ સામે 12-21, 23-21 અને 21-19થી રોમાંચક હાર આપી હતી. સિંધુએ પહેલી ગેમ ગુમાવ્યા બાદ જોરદાર વાપસી કરી હતી અને 1 કલાક 11 મિનિટની રમત બાદ રોચક જીત મેળવી સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે. તાઇ જૂ સામે સિંધુનો રેકોર્ડ હવે 5-10નો થયો છે. આ પહેલા પ્રી કવાર્ટરમાં સિંધુએ અમેરિકાની ખેલાડી બેઇવન ઝાંગ સામે 21-14 અને 21-6થી જોરદાર જીત મેળવી હતી. સિંધુ વર્ષ 2017 અને 2018માં રજત અને 2013 અને 2014માં કાંસ્ય ચંદ્રક જીતી ચૂકી છે.
સાઇના નેહવાલ ડેનમાર્કની ખેલાડી મિયા બ્લીકફેલ્ડ સામે 15-21, 27-25 અને 21-12થી હારીને બહાર થઇ હતી. જયારે કે. શ્રીકાંત થાઇલેન્ડના ખેલાડી કાંટાફોન વાંચારોએન સામે 14-21 અને 13-21થી હારી ગયો હતો. જયારે સાઇ પ્રણિત કવાર્ટર ફાઇનલમાં ચોથા ક્રમના ઇન્ડોનેશિયાના ખેલાડી જોનાથન ક્રિસ્ટીલી સામે રમશે.
Published on: Sat, 24 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer