આરબીઆઈએ ધિરાણદરોમાં કુલ 1.10 ટકાનો ઘટાડો કર્યો હોવા છતાં

આરબીઆઈએ ધિરાણદરોમાં કુલ 1.10 ટકાનો ઘટાડો કર્યો હોવા છતાં
પોસ્ટ અૉફિસ સ્કીમો 8 ટકાથી વધુ વ્યાજ દર અૉફર કરતી હોવાથી આકર્ષક

નવી દિલ્હી, તા. 23 : આરબીઆઈએ રેપો રેટમાં કુલ 1.10 ટકાનો ઘટાડો કર્યો હોવા છતાં પોસ્ટ અૉફિસની સ્કીમો 8 ટકાથી પણ વધુ વ્યાજ દર અૉફર કરતી હોવાથી તે નાગરિકોમાં લોકપ્રિય છે. ઇન્ડિયા પોસ્ટની બે સ્કીમ- સુકન્યા સમૃદ્ધિ અને સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ આઠ ટકાથી પણ વધુનું વાર્ષિક વ્યાજ અૉફર કરે છે. 
કન્યાના ભણતર માટેની યોજના- સુકન્યા સમૃદ્ધિ યોજના 8.6 ટકા અને સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ 8.4 ટકા વ્યાજ દર અૉફર કરે છે. ફાઈનાન્સિયલ પ્લાનર્સનું કહેવું છે કે અર્થતંત્રની ગતિ ધીમી પડી રહી છે અને હજી તે ધીમી પડે તેવી ધારણા છે એવામાં આ વ્યાજ દર આકર્ષક  ગણાય છે. 
સુકન્યા સમૃદ્ધિ યોજના ભારત સરકારે જાન્યુઆરી 2015માં લોન્ચ કરી હતી, જેનો મુખ્ય હેતુ કન્યાઓને ભણાવવાનો છે. સરકારી ટેકો ધરાવતી આ સ્કીમમાં દીકરીના વાલી તેના ભવિષ્યમાં ભણતર અને લગ્નના ખર્ચ માટે એક ભંડોળ જમા કરે છે, જેમાં વ્યાજ દર ઊંચું છે. આવક વેરા કાયદાની કલમ 80સી અંતર્ગત આ યોજનાને કરલાભ પણ મળે છે. 
કોઈ પણ વાલી દીકરીના જન્મના 10 વર્ષ સુધીમાં સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી શકે છે. એક કન્યાના નામે એક જ ખાતું ખોલી શકાશે. ઉપરાંત એક વાલી તેમની બે પુત્રી માટે જ ખાતું ખોલાવી શકશે.  ન્યૂનતમ વાર્ષિક ડિપોઝીટ રૂા. 1000 હજાર અને મહત્તમ રૂા. 1.5 લાખ છે. એક નાણાકીય વર્ષમાં ડિપોઝીટ કરવાની સંખ્યામાં કોઈ મર્યાદા નથી. ખાતું ખોલાવે તે પછી દીકરી 14 વર્ષની થાય તે પછી વ્યાજ દર લાગુ પડશે. ખાતાની મેચ્યોરિટી ખાતું ખોલાવ્યા પછીના 21માં વર્ષે થશે. જો દીકરી આ 21 વર્ષના ગાળા પહેલા લગ્ન કરે તે પછી ખાતું સક્રિય રહેતું નથી. 
Published on: Sat, 24 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer