રાજ ઠાકરેની માતોશ્રી ઈન્ફ્રાને મળેલા 80 કરોડ વિશે ઈડીએ તપાસ કરી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના ચીફ રાજ ઠાકરેની ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ આશરે નવ કલાક પુછપરછ કરી હતી અને એ દરમિયાન માતોશ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ડાઈવર્ટ કરવામાં આવેલા 80 કરોડ વિશે સવાલોનો મારો કરવામાં આવ્યો હતો. 
IL&FS કંપનીના હવાલા કૌભાંડની એન્ફોર્સમેન્ટ ડિરોકટોરેટ તપાસ કરી રહ્યું છે અને એ સંદર્ભમાં રાજ ઠાકરેને તપાસ  માટે બોલાવવામાં આવ્યા હતા. ઈડીનું કહેવું છે કે IL&FSએ  કોહિનૂર સીટીએનએલ કંપનીમાં પોતાના રાઈટ્સ સરન્ડર કર્યા એ બાદ માતોશ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને 80 કરોડ મળ્યા હતા. કોહિનૂર સીટીએનએલ નામની કંપની મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોશીના દીકરા ઉન્મેષ જોશી, રાજ ઠાકરે અને રાજના બિઝનેસ પાર્ટનર રાજન શિરોડકરે સાથે મળીને બનાવી હતી. દાદરમાં કોહિનૂર મિલ નંબર ત્રણની જમીન ખરીદવાના ઈરાદા સાથે જ આ કંપની બનાવવામાં આવી હતી. આ જમીનની જગ્યાએ કોહિનૂર સ્કવેર ટાવર્સ બનાવવાની કંપનીની યોજના હતી.
કોહિનૂર સીટીએનએલ કંપનીએ આખરે આ જમીન નેશનલ ટેક્સ્ટાઈલ કોર્પેરેશનની લિલામીમાં રૂપિયા 421 કરોડમાં એક દશકા પહેલા ખરીદી હતી.  લિલામીમાં 35 બીલ્ડરોએ રસ બતાવ્યો હતો, પણ માત્ર ત્રણ બીલ્ડરોએ લિલામીમાં ભાગ લીધો હતો.
કોહિનૂર સીટીએનએલમાં રાજની માતોશ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત IL&FS અને ઉન્મેષ જોશીની કોહિનૂર ગ્રુપ પાર્ટનર હતા. IL&FS એ કોહિનૂર સીટીએનએલમાં ર25 કરોડ રોકી 50 ટકા ઈક્વિટી શૅર પ્રાપ્ત કર્યા હતા. 2008માં IL&FS કંપનીમાંથી છૂટી થઈ ગઈ હતી અને પોતાના શૅર માત્ર 90 કરોડમાં સરન્ડર કર્યા હતાં. ટૂંકમાં રર5 કરોડના  રોકાણ સામે તેને માત્ર 90 કરોડ મળ્યા હતા. એ જ વર્ષે માતોશ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચરે પણ તેનો હિસ્સો સરન્ડર કર્યો હતો પણ જે મૂડી રોકી હતી એ કરતા વધુ પૈસા મેળવ્યા હતા.
થોડા સમય બાદ IL&FS એ કોહિનૂર સીટીએનએલને 635 કરોડ લોન પર આપ્યા હતા. ઈડીનો એવો આક્ષેપ છે કે કોહિનૂર સીટીએનએલને જે પૈસા IL&FS પાસેથી મળ્યા હતા એમાં 80 કરોડ એણે માતોશ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 2008માં ડાયવર્ટ કર્યા હતા. ઈડીનો દાવો છે કે માતોશ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચરે આ પૈસામાંથી 20 કરોડ જેવી રકમ રાજ ઠાકરેને ટ્રાન્સફર કરાઈ હતી. માતોશ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માલિકી રાજ ઠાકરે, રાજન શિરોડકર ઉપરાંત અન્ય છ જણ પાસે હતી.
Published on: Sat, 24 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer