ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને હાઈ કોર્ટનો ઝટકો

27મી અૉગસ્ટે હાજર રહેવાનું ફરમાન

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.23 : શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ગુજરાત હાઈ કોર્ટે ધોળકા વિધાનસભા ચૂંટણી વિવાદના કેસમાં 27મી અૉગસ્ટના રોજ હાજર રહેવાનો આદેશ કર્યો છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ઇલેક્શન પિટિશન કેસમાં જુબાની માટે સમન્સ ઇસ્યુ કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્રસિંહ  ચુડાસમાની જીતને પડકારતી અરજી મુદ્દેની સુનાવણી મામલે હાઈ કોર્ટે તેઓની સામે સમન્સ ઇસ્યુ કર્યું છે. મહત્ત્વનું છે કે, જીતને રદ કરતી આ અરજી કૉંગ્રેસના અશ્વિન રાઠોડ દ્વારા કરાઇ છે. 
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રૂપાણી સરકારની કેબિનેટમાં શિક્ષણપ્રધાન છે. વિધાનસભાની ચૂંટણી બાદ 18મી ડિસેમ્બર, 2017ના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે તેમને 327 મતે કૉંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડને હરાવીને વિજયી જાહેર કરાયા હતા. જોકે, બાદમાં આ મતગણતરીમાં બેલેટ પેપરોની ગણતરી કરવામાં આવી ન હોવાનો વિવાદ સર્જાયો હતો. જેથી કૉંગ્રેસે તેઓની આ જીતને હાઈ કોર્ટમાં પડકારી હતી. 
કૉંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, 429 જેટલા બેલેટ પેપરો કે જેમાં મોટાભાગના તેમની તરફેણમાં મત હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા. ચૂંટણી પંચના નિયમ મુજબ ઇવીએમની મતગણતરી પહેલાં બેલેટ પેપરની ગણતરી કરવાની જોગવાઇ છે. જોકે, તેને બાજુએ મૂકી ઇવીએમની ગણતરી કરવામાં આવી હતી. બીજી બાજુ ચૂંટણી પંચે પણ કબૂલ્યુ હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં ગડબડ થઇ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝવર આઇએએસ વિનીતા બોહરા સામે સખત પગલા લેવા પણ જણાવ્યું હતું. ત્યારે અંતે આ સમગ્ર મામલો અંતિમ તબક્કે પહોંચી ગયો છે. એવું મનાય છે કે, આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે.કલેક્ટર ગૌરાંગ પ્રજાપતિને બદલી તેમને સ્થાને ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હતી.
Published on: Sat, 24 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer