મેટ્રિમોનિયલ સાઇટ પર કાંદિવલીની ગુજરાતી યુવતી સાથે છેતરપિંડી

મુંબઈ, તા. 23 : લગ્ન વિષયક (મેટ્રોમોનિયલ) વેબસાઇટ પર ઓળખાણ બાદ એક તરુણી સાથે લાખો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ કાંદિવલીના સમતાનગર પોલીસ સ્ટેશને નોંધાઇ છે. ફરિયાદી યુવતી મૂળ ગુજરાતની છે અને હાલમાં કાંદિવલીમાં રહે છે.
લગ્ન વિષયક એક વેબસાઇટ પર આ યુવતીએ પોતાનું નામ નોંધાવ્યા બાદ પોતાની પ્રોફાઇલ અપલોડ કર્યા બાદ જેની નામની એક મહિલા સાથે તેની ઓળખ થઇ હતી. બાદમાં તેને જેની યામિર નામે એક રિક્વેસ્ટ આવી હતી અને આ ફોન નંબર પર વૉટ્સઍપ કૉલ કરીને ચોકસાઇ કરાતા યામિરે પોતે મૂળ કર્ણાટકનો અને હાલમાં જર્મનીના બર્લિનમાં રહેતો હોવાનું જણાવ્યું હતું.
આ યુવતીને ફોન પર યામિરે કહ્યું હતું કે મારી માતાને હૉસ્પિટલમાં દાખલ કરવાની છે. આ યુવતીને વિશ્વાસ બેસે એટલે યામિરે તેને બર્લિનથી લંડન વાયા દિલ્હીની વિમાનની ટિકિટનો ફોટો પણ મોકલ્યો હતો. મેમાં યામિરે મેસેજ કર્યો હતો કે તે પોતાની માતા સાથે દિલ્હી આવ્યો છે. આ દરમિયાન આ યુવતીને એક ફોન આવ્યો હતો કે યામિર અને તેની માતાને દિલ્હી ઍરપોર્ટ પર તાબામાં લેવાયા છે અને તેમની પાસેથી 80 લાખ રૂપિયા જપ્ત થયા છે અને કરન્સી ડિક્લેરેશન માટે 1.68 લાખ રૂપિયા ભરવા પડશે. 
આ યુવતીએ વિશ્વાસ રાખીને આ રકમ ભરી દીધા બાદ વધુ એક ફોન આવ્યો હતો કે સિક્યુરિટી ચાર્જિસ માટે  1.35 લાખ રૂપિયા ભરવાના છે. આ યુવતીએ આ રકમ પણ અૉનલાઇન ચૂકવી દીધા બાદ ટૅક્સના 3.89 લાખ રૂપિયા ભરવાનું જણાવાયું હતું. આ યુવતીએ ફરીથી 35 હજાર રૂપિયા ભર્યા હતા, પરંતુ શંકા જતાં તેણે સમતાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Published on: Sat, 24 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer