આખું કુટુંબ ચેનચોર!

થાણે, નવી મુંબઈ અને મુંબઈમાં 100 કરતાં વધુ ગુના દાખલ 

અમારા પ્રતિનિધિ તરફથી
કલ્યાણ, તા. 23 : કલ્યાણ શહેરમાં ચેનચોરી અને ઘરફોડીના વધતા બનાવની પાર્શ્વભૂમિ પર પોલીસના ગુના વિરોધી પથકે અટકમાં લીધેલા ચોર કાસીમ ઈરાનીના નામ પર થાણે, નવી મુંબઈ, મુંબઈ, અમદાવાદ વગેરે ઠેકાણે 100 કરતાં વધુ ચેનચોરીના ગુના દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ત્રણવાર આ ચોરનો જામીન પર છૂટકારો થયો છે. દરમિયાન તેના બે ભાઈ અને એક બહેન મોક્કા અંતર્ગત અટકમાં છે. માતા અને બીજી બહેનનો જામીન પર છૂટકારો થયો છે. આમ આખું કુટુંબ ગુનેગાર છે. 
ઘરફોડીની ફરિયાદની તપાસ કરતા પોલીસને મળેલી માહિતીને આધારે મહાત્મા ફુલે પોલીસે પપૂ યાદવ, આકાશ ગોરે, દત્તા પાટીલ અને દત્તા માટેકર ચાર આરોપીને અટકમાં લઈને તેમની પાસેથી ઘરફોડીના 14 ગુનાઓ કબૂલ્યા હતા. તેમની પાસેથી બે મોટરસાયકલ સહિત 2.41 લાખ રૂપિયાનો માલ હસ્તગત કર્યો હતો. આ ગુનેગારોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ગુના કર્યા હતા. 
બીજા પ્રકરણમાં ઈદના તહેવાર દરમિયાન ચેનચોરીના બનાવમાં અચાનક થયેલા વધારાને લીધે પોલીસની ઊંધ ઊડી ગઈ હતી. ગુના વિરોધી પથકને મળેલી માહિતીને આધારે તેમણે જાળ પાથરીને 30 વર્ષીય કાસીમ ઈરાનીની ધરપકડ કરી હતી. તેણે ગુનાની કબૂલાત કરીને ચોરીનો માલ ફિરોજ ઈરાનીને વેચ્યો હોવાનું કહ્યું હતું. તેના પર અત્યાર સુધી 30 ગુના દાખલ થયા હોવાની માહિતી મળી હતી. જ્યારે પ્રત્યક્ષમાં તેના પર 100 કરતાં વધુ ગુના દાખલ થયા હોવાની શંકા અધિકારીઓને છે. તે સિવાય તેની માતા, બે ભાઈ અને બહેન પણ ચેનચોરીના ગુનામા સક્રિય છે અને મોક્કાના આરોપી છે. ચોરીનું સોનું વેચાતું લેતા ફિરોજ ઈરાની વિરુદ્ધ થાણે, મુંબઈના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 15 ગુના નોંધવામાં આવ્યા છે. તેનો દીકરો રીઢો ચેનચોર છે. અનેક વર્ષો સુધી શિક્ષા ભોગવીને જામીન પર છૂટેલા કાસીમને 15-16 વર્ષના દીકરાને ચેનચોરીનું પ્રશિક્ષણ આપવાની શરૂઆત કરી હતી.
Published on: Sat, 24 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer