શૅરબજારના સટ્ટાને કારણે ઘાટકોપરનો પરિવાર રસ્તા પર આવી ગયો

શૅરબજારના સટ્ટાને કારણે ઘાટકોપરનો પરિવાર રસ્તા પર આવી ગયો
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 23 : શૅરબજારમાં પોતાની આજીવન મૂડી ગુમાવી ચૂકેલા ઘાટકોપર પશ્ચિમનો એક પરિવાર બેઘર થઈ ગયો છે અને ખાવાના પણ ફાંફાં પડી રહ્યા છે. વયોવૃદ્ધ માતા અને આશરે 50 વર્ષની આસપાસનાં બે સંતાનો લગભગ ત્રણ સપ્તાહથી રસ્તા પર આવીને સહાય માટે આજીજી કરી રહ્યાં છે. તેમની આ કમનસીબીના સમાચાર ટ્વીટર પર ચર્ચાનો મુદ્દો બન્યો છે.
રંજનબેન દેસાઈ (વય 68 વર્ષ), તેમનો દીકરો બિજલ (વય 44 વર્ષ) અને દીકરી સીમા (45 વર્ષ)ને ઘાટકોપરમાં પાટીદાર વાડી બસ્ટ સ્ટોપ પર દયનીય હાલમાં જોવા મળ્યાં હતાં. તેમની પોતાની ગણી શકાય એવી વસ્તુઓનું એક પોટલું બનાવ્યું છે. જોકે તેમની આ દયનીય સ્થિતિ થોડાંક વર્ષો પૂર્વ તેમના શૅરદલાલ પતિ નવીનભાઈના હૃદયરોગના હુમલામાં મૃત્યુ થયા બાદ સર્જાઈ હતી.
બિજલ અને તેના પિતાજી બંને શૅરબજારમાં ટ્રેડિંગ કરતા હતા અને વર્ષોથી સારી રીતે કામકાજ ચાલતું હતું, પરંતુ તેઓએ ઘણાં વર્ષોથી રોકાણ ર્ક્યું હતું જે મંદીમાં પરિણમ્યું અને તેઓ દેવાંમાં ખૂંપી ગયા.
પરિવારના મુખિયા નવીનભાઈનાં મૃત્યુ બાદ પરિવારને અનેક સંસ્થાઓ અને લોકોનું કરોડો રૂપિયા કરતાં વધુ દેવું થઈ ગયું. પરિણામે પરિવારે મિત્રો અને સગાંસંબંધીઓ પાસેથી ઉછીનાં નાણાં લેવાનું શરૂ ર્ક્યું. તેમની સ્થિતિ અતિશય દયનીય થઈ ગઈ અને તેઓ નાણાં પરત કરી શકે એમ નહોતા. ત્યાર બાદ લોકોએ નાણાં આપવાનું બંધ ર્ક્યું. અંતે દેસાઈ પરિવારે અંગત વસ્તુઓ પણ વેચવી પડી અને માથે ફક્ત છાપરું જ રહ્યું. અંતે બે મહિના પહેલાં તેઓએ ઉછીનાં નાણાં ચૂકતે કરવા બે ફ્લૅટ પણ વેચી નાખ્યા. ગભરાટભરી વેચવાલીમાં તેમને માત્ર રૂા. 40 લાખનું જ વળતર મળ્યું. હજી પણ તેમને ઉછીની રકમ ચૂકવવાની નીકળે છે. તેમના વિસ્તારમાં આજુબાજુના રહેવાસીઓ ત્રણેને નોકરી અપાવવા અને આશ્રય મળી રહે તે માટે દાન અને સધિયારો આપવા વૉટસઍપ અને ફેસબુક પર મેસેજ મૂકયા છે.
શૅરદલાલ મારા પતિએ લાખો રૂપિયાનું શૅરબજારમાં રોકાણ ર્ક્યું હતું, પરંતુ બધું જ ધોવાઈ ગયું. તેથી અમારે ઘાટકોપરના બે ફ્લૅટ વેચીને ફ્લૅટની લોન ચૂકતે કરી છે. આજે અમે નિરાધાર દશામાં રસ્તા પર આવી ગયા છીએ. અમે ભીખ માગી રહ્યા છીએ. અમારા એક ફ્લૅટનું વેચાણ કરીને નાણાં ફરી શૅરબજારમાં રોકયા કે જેથી કદાચ અમારું નસીબ હોય તો પરિસ્થિતિમાં સુધાર થાય, પરંતુ અમારો તે નિર્ણય પણ અવળો પડયો અને તે નાણાં પણ ડૂબી ગયાં. સ્થાનિક કાર્યકર નિલેશ પુરબિયાએ કહ્યું હતું કે દેસાઈ પરિવાર કપરા સંજોગોનો સામનો કરી રહ્યો છે. તેઓ શૅરબજારમાં પોતાનું ઘર અને ઝર-ઝવેરાત બધું જ ગુમાવી બેઠા છે અને સોશિયલ મીડિયા-વૉટસઍપમાં તેમની સહાય માટે એક ગ્રુપ બનાવ્યું છે.
Published on: Sat, 24 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer