એફએટીએફે પાકને `બ્લૅક લિસ્ટેડ'' કર્યું

એફએટીએફે પાકને `બ્લૅક લિસ્ટેડ'' કર્યું
વોશિંગ્ટન/કેનબેરા, તા.23: દેવામાં ડૂબેલા પાકિસ્તાનને વધુ એક ઝટકો લાગ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદને ઉત્તેજન પર નિગરાની રાખતી સંસ્થા ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) દ્વારા પાકને ગ્રે યાદીમાં નાખ્યા બાદ હવે આ જ સંસ્થાના એશિયા પેસિફિક એકમે પાકિસ્તાનને ઓર નીચી પાયરીએ બ્લેક લિસ્ટમાં નાખી દીધું છે. ત્રાસવાદીઓને આળપંપાળ અને સહાય તેમજ નાણાકીય ગેરરીતિ ડામવામાં નિષ્ફળતા બદલ એફએટીએફ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. 
ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરામાં આયોજિત એફએટીએફની એશિયા પેસિફિક એકમની બેઠકમાં પાકને કાળી સૂચિમાં નાખવાનો નિર્ણય લેવાયો હતો. ભારતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર આતંકવાદ સામેના વૈશ્વિક માપદંડો પૂરા નહીં કરવા બદલ પાકને બ્લેકલિસ્ટેડ કર્યું છે. એફએટીએફે જોયું કે હવાલા અને આતંકીઓને આર્થિક સહાયને લગતા 40માંથી 32 માપદંડ પૂરા કરવામાં પાક નિષ્ફળ રહ્યું છે. 
ટાસ્ક ફોર્સે જણાવ્યું હતું કે, ત્રાસવાદીઓને ભંડોળ અટકાવવામાં પાકિસ્તાન સદંતર નિષ્ફળ નિવડયું છે. તે મે 2019 સુધીની પોતાની કાર્ય યોજના પૂરી કરવામાં પણ વિફળ રહ્યું છે.
એફએટીએફ દ્વારા પાકને કાળી સૂચિમાં નાખી દેવાતાં અગાઉ જ ખાડે ગયેલા તેના અર્થતંત્રને મોટો ફટકો લાગશે. હવે આઈ.એમ.એફ. વર્લ્ડ બેન્ક, એ.ડી.બી. તેમજ અન્ય મોટા દેશો પાકિસ્તાન પર વધુ આર્થિક પાબંદીઓ લગાવશે.
Published on: Sat, 24 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer