ઇડીના કેસમાં ચિદમ્બરમને રાહત

ઇડીના કેસમાં ચિદમ્બરમને રાહત
નવી દિલ્હી, તા. 23 (પીટીઆઈ): મુશ્કેલીમાં મુકાયેલા પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમને ઈડીએ દાખલ કરેલા કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી રાહત સાંપડી છે. અદાલતે આજે ચિદમ્બરમને ઈડીએ દાખલ કરેલા હવાલા કેસમાં ધરપકડથી સોમવાર સુધી ધરપકડમાંથી રાહત આપતાં કેસની સુનાવણી 26 ઓગસ્ટ પર મુકરર કરી હતી અને આઈએનએક્સ મીડિયા કૌભાંડમાં સીબીઆઈ અને ઈડીના કેસોની સુનાવણી માટે સંમતિ આપી હતી. દરમ્યાન, દિલ્હીની એક અદાલતે પણ પૂર્વ નાણામંત્રીને 3 સપ્ટેમ્બર સુધી ધરપકડમાંથી રાહત આપી હતી.
જો કે સુપ્રીમના આજના ચુકાદા છતાં ચિદમ્બરમ સીબીઆઈના રિમાન્ડમાં જ રહેશે કેમકે કોર્ટે એ મામલામાં હસ્તક્ષેપ  કર્યો ન હતો.
અરજદારના વકીલ અને સોલીસીટર જનરલ તુષાર મહેતાની દલીલો સાંભળ્યા બાદ બેન્ચે જણાવ્યું હતું કે  કેસની વધુ સુનાવણી સુધી અરજદારની ધરપકડ થવી જોઈએ નહીં. કેસની વધુ સુનાવણી 26 જાન્યુઆરી મુકરર કરવામાં આવી છે અને ઈડીએ તે દિવસ સુધીમાં પોતાનો જવાબ રજૂ કરવાનો રહેશે.
અદાલતે આદેશ આપી દીધા બાદ સોલીસીટર જનરલે અદાલતને સીલબંધ દસ્તાવેજ સોંપવાનો પ્રયાસ કરતાં ચિદમ્બરમને ધરપકડમાંથી મુક્તિ આપતાં પહેલાં દસ્તાવેજને ધ્યાને લેવા અનુરોધ કર્યો હતો જેને કોર્ટે નકારીને દસ્તાવેજો સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે આ દસ્તાવેજો સોમવારે રજૂ કરવામાં આવે.
દરમ્યાન, દિલ્હીની એક અદાલતે સીબીઆઈ અને ઈડીની અરજી પર આજે પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ સામેના એરસેલ-મેક્સિસ મામલાને સ્થગિત કરવાનો ઈન્કાર કર્યો હતો. એજન્સીઓએ આઈએનએકસ મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લંબિત થતાં સ્થગનની માંગ કરી હતી. વિશેષ ન્યાયાધીશ ઓ.પી. સૈનીએ સતત થઈ રહેલી સ્થગનની માંગ પર એજન્સીઓને ફટકાર લગાવી હતી અને ચિદમ્બરમની જામીન અરજી પર આદેશ ત્રીજી સપ્ટેમ્બર સુધી અનામત રાખી ત્યાં સુધી તેમને ધરપકડમાંથી રાહત આપી હતી.
Published on: Sat, 24 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer