પીએમ મોદી-ફ્રાન્સના પ્રમુખ મેક્રોન વચ્ચે મુલાકાત મેક્રોને કહ્યું

પીએમ મોદી-ફ્રાન્સના પ્રમુખ મેક્રોન વચ્ચે મુલાકાત મેક્રોને કહ્યું
કાશ્મીર દ્વિપક્ષીય મુદ્દો

પેરિસ, તા. 23  : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્માન્યુલ મેક્રોન પર્યાવરણીય બદલાવ, સાયબર સિક્યુરિટી, સંરક્ષણ અને અવકાશ સહકાર જેવા મુદ્દા પર મુખ્ય ધ્યાન સાથે ગઈકાલે પાંચમી વખત મળ્યા હતા જેમાં પેરિસે કાશ્મીરના મામલે નવી દિલ્હીને સમર્થન આપ્યું હતું. આવતા મહિનાથી જ રાફેલ ફાઈટર વિમાનોની ડિલિવરી શરૂ થઈ જશે તેવી  ઘોષણા બંને દેશે કરી હતી.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે અમારી મિત્રતા સ્વાર્થ આધારિત નથી પરંતુ `સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ'ના નક્કર પાયા આધારિત છે અને આ જ કારણસર ભારત અને ફ્રાન્સ સ્વતંત્રતા અને લોકશાહીના રક્ષણ કાજે ખભેખભા મિલાવીને ઊભા છે.
પીએમ મોદીએ સરહદ પારના આતંકવાદ અંગે પેરિસે આપેલા સમર્થનનો આભાર માન્યો હતો. પુલવામા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતાં ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે અમે હાલાકીને નાબૂદ કરવા માટે સાથે કામ કરીશું.
કાશ્મીર મામલે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાને આ મુદ્દાનો દ્વિપક્ષીય રીતે જ ઉકેલ લાવવો જોઈએ. આ મામલે કોઈ ત્રીજો પક્ષ હોવો જોઈએ નહીં.
તેમણે ઉમેર્યું હતું કે તેઓ આ બાબતે પાકિસ્તાના પીએમ (ઈમરાન ખાન)ને પણ આ મુદ્દો દ્વિપક્ષીય રીતે ઉકેલવા, વિસ્તારની શાંતિ જાળવવા અને કોઈ આતંકવાદી ગતિવિધિ ન હોવી જોઈએ એ અંગે જણાવશે.
પીએમ મોદીએ તેમની ફ્રાન્સની યાત્રાનો ગઈકાલથી આરંભ કર્યો હતો. તેઓ બાદમાં બિઆરિટ્ઝ ખાતે 45મા જી-7 શિખર પરિષદમાં ભાગ લેશે.  મોદી પેરિસના હવાઈમથકે ગઈકાલે પહોંચ્યા હતા અને આજે સવારે ફ્રાન્સના વડાપ્રધાનને મળ્યા હતા. તેઓએ ભારતીય સમુદાયને પણ સંબોધન કર્યું હતું. મોદી આ પહેલાં 2017માં ફ્રાન્સની યાત્રાએ ગયા હતા અને તે પછી 2018માં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ભારત આવ્યા હતા. બંને નેતાઓ જી-20 પરિષદના અનુસંધાને 2018માં આર્જેન્ટિનામાં અને 2019માં જાપાનમાં મળ્યા હતા.
Published on: Sat, 24 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer