પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધતા વડા પ્રધાન

પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધતા વડા પ્રધાન
ભ્રષ્ટાચાર, ભાઈભત્રીજાવાદ, પ્રજાના પૈસાની લૂંટ પર લગામ કસી તે અગાઉ કદી નથી થયું : મોદી

પેરિસ તા.23:  ફ્રાન્સના બે દિવસના પ્રવાસે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વવર્તી સરકારો પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે હવે હું જે કંઈ કહું છું તે સ્થાયી તોર પર કહું છું, ભારતમાં જે કંઈ ટેમ્પરરી હતું તેને અમે દૂર કર્યુ છે,  તેને કાઢવામાં અમને 70 વર્ષ લાગ્યા. (તેમનો મોઘમ ઈશારો કાશ્મીરની કલમ 370 પ્રતિ હતો) ભારતમાં હવે ટેમ્પરરી કંઈ નથી. આજે નવા ભારતમાં ભ્રષ્ટાચાર, પરિવારવાદ, ભાઈભત્રીજાવાદ, જનતાના પૈસાની લૂંટ, આતંકવાદ પર જે રીતે લગામ કસવામાં આવી રહી છે તેવું અગાઉ કયારેય નથી થયું. નવી સરકાર બન્યાના 75 જ દિવસમાં અમે મહત્વના નિર્ણયો લીધા છે. પચાસ અને સાઠના દાયકામાં ફ્રાન્સમાં એર ઈન્ડિયાના બે વિમાનોની બનેલી દુર્ઘટનાઓના મૃતકોની યાદમાં બનેલા સ્મારકને વીડિયો કોન્ફરન્સ વાટે ખૂલ્લું મૂકયા બાદ અહીં યુનેસ્કોના વડામથકે ભારતીય સમુદાયને સંબોધતાં મોદીએ, મોદી-મોદી અને ભારત માતા કી જયના નારાઓ વચ્ચે જણાવ્યું હતું કે 4 વર્ષ પહેલાં ફ્રાન્સ આવ્યો હતો ત્યારે વાયદો આપતાં જણાવ્યું હતું કે ભારત આકાંક્ષાઓ અને આશાઓની સફરે નીકળી ચૂકયું છે. આજે અગાઉ કરતા ય વધુ પ્રચંડ જનાદેશ સાથે અમારી સરકારે સમર્થન મેળવેલું છે.
મોદી મંચ પર પહોંચતાં ઉપસ્થિત બહોળા જનસમુદાયે તાળીઓના જોરદાર ગડગડાટથી તેમનું સ્વાગત કરતા મોદીએ પણ ફ્ઁન્ચમાં લોકોને અભિનંદન આપ્યા હતા.
ફૂટબોલની ઉપમા આપી પીએમએ કહ્યં હતું કે અમારી સરકારે ય અસંભવ ગોલ કર્યા છે, હું ફૂટબોલપ્રેમીઓના દેશમાંથી આવું છું, અમારી સરકારે એવા ગોલ નિશ્ચિત કર્યા છે જે અસંભવ લાગે તેવા હતા. 2030 માટે ઠરાવેલા જળવાયુ પરિવર્તનના ગોલ ભારત આગામી 1 વર્ષમાં સાધી લેશે. ભારત 25 સુધીમાં ટીબીમુકત થઈ ગયું હશે. ફ્રાન્સની ફૂટબોલ ટીમનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ હતું કે મને લાગે છે કે ભારતમાં ફ્રાન્સની ફૂટબોલ ટીમના જેટલા સમર્થક છે તેટલી સંખ્યા કદાચ ફ્રાન્સમાં ય નહી હોય. ફ્રાન્સ વર્લ્ડ કપ જીત્યું ત્યારે ભારતમાં ય તેનો જશ્ન જોરશોરથી મનાવાયો હતો.  દુ:ખમાં ય આપણે એકમેકની પડખે ઉભા છીએ એમ કહી મોદીએ ઉકત સ્મારક બનાવવા બદલ ધન્યવાદ આપતા જણાવ્યું હતું કે તે '66ની મોં બ્લાં પર્વત શૃંખલામાંની વિમાનદુર્ઘટનામાં ભારતે તેના મહાન વિજ્ઞાની ડો. હોમી જહાંગીર ભાભાએ પણ પ્રાણ ગુમાવ્યા હતા, તેમને આ તકે શ્રદ્ધાંજલિ આપું છું.
અમારી સરકારે સત્તામાં આવ્યાના 75 જ દિવસમાં સાચી દિશાથી પ્રેરાઈ એક પછી એક નવા નિર્ણય લીધા છે એમ જણાવી મોદીએ ઉમેર્યુ હતું કે સરકાર બનતાં જ જળશકિત માટે નવું મંત્રાલય બનાવાયું. ગરીબ ખેડૂતો-વ્યાપારીઓને પેન્શન આપવાનો નિર્ણય લેવાયો. અમાનવીય પ્રવૃત્તિ જેવા ટ્રિપલ તલાક નારી સમ્માન પરની લટકતી તલવાર બની રહેતા તે પ્રથાને અમે ખત્મ કરી છે.  આ વખતે સંસદના સત્રનો કાર્યકાળ પણ સૌથી વધુ સમય ચાલ્યો તે અનુસંધાને તેમણે જનસમુદાયને પૂછયુ કે યહ કયોં હુઆ ? તે તબકકે મોદી-મોદી, મોદી હૈ તો મુમકીન હૈના નારા લાગ્યા હતા. જવાબમાં તેમણે કહ્યંy કે યહ મોદી કે કારણ નહીં હુઆ હૈ. સવાસો કરોડની જનતાના જનાદેશના કારણે આ થયું છે.  તમે સૌ જાણો છો કે ચંદ્રયાન હવે ચંદ્ર પર ઉતરવામાં છે.
ભારત અને ફ્રાન્સના સમાન મૂલ્યોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે ફ્રાન્સની ભૂમિ પર નવ હજાર ભારતીય સૈનિક શહીદ થયા છે. અમે ફાંસીવાદ અને અંતિમવાદનો સામનો ભારતમાં જ નહીં ફ્રાન્સમાં પણ કર્યો હતો. બેઉ દેશોનું ચરિત્રનિર્માણ સ્વાતંત્ર્ય, સમાનતાના સમાન મૂલ્યો પર થયું છે. ભારત અને ફ્રાન્સે સાથે મળી સોલાર એલાયન્સ માટે કામ કર્યુ, જે ગ્લોબલ વોર્મિગ વિરુદ્ધ સાચા અર્થમાં બદલાવ લાવી રહ્યંy છે.
Published on: Sat, 24 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer