અર્થતંત્રને જોમવંતું બનાવવા માટે રાહત પગલાંની જાહેરાત કરતાં નાણાપ્રધાન

અર્થતંત્રને જોમવંતું બનાવવા માટે રાહત પગલાંની જાહેરાત કરતાં નાણાપ્રધાન
અૉટો સેક્ટર માટે અનેક રાહતો : અંદાજપત્રની દરખાસ્તો પાછી ખેંચી
 
એફપીઆઈ ઉપર વધારાનો સરચાર્જ પાછો ખેંચાયો
 
જીએસટી રિફન્ડનો નિકાલ ઝડપી બનશે
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 23 : જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે અર્થતંત્રનાં વિવિધ ક્ષેત્રે અને ઉદ્યોગોને મહત્ત્વની રાહતોની જાહેરાત નાણાપ્રધાન નિર્મલા સીતારામને આજે કરી હતી. નાણાપ્રધાને 5 જુલાઈએ રજૂ કરેલા અંદાજપત્રમાં જે પ્રતિકૂળ દરખાસ્તો રજૂ કરી હતી તેને સુધારવાનો આજે પ્રયાસ ર્ક્યો હતો. નાણાપ્રધાને આજે કરેલી મુખ્ય જાહેરાતોમા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ) ઉપર વધારાનો સરચાર્જ પાછો ખેંચી લેવાની, બૅન્કો માટે રૂા. 70 હજાર કરોડની અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ માટે રૂા. 20 હજાર કરોડની નાણાં પ્રવાહિતા પૂરી પાડવાની, નાના અને મધ્યમ એકમોને જીએસટીના જૂના રિફન્ડ 30 દિવસમાં અને બાકીના તમામ રિફન્ડ 60 દિવસમાં ચૂકવી દેવાની જાહેરાતો કરી હતી.
દેશના અર્થતંત્રને ફરી જોમવંતું બનાવવા માટે વિવિધ જાહેરાતો કરતાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને આજે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઈ) ઉપર વધારાનો સરચાર્જ પાછો ખેંચવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી, તે સાથે કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર)ની શરતોનો ભંગ થશે તો તે ક્રિમિનલ (ફોજદારી ગુનો) નહીં ગણાય, પરંતુ સિવિલ ઓફેન્સ તરીકે લેખવામાં આવશે.
તે સાથે સ્ટાર્ટ અપ્સ ઉપર આવકવેરા કાયદાની ક્લમ 56, 2(બી) હવે પછી લાગુ નહીં પડે, એટલે એન્જલ ટૅક્સ વસૂલ કરવામાં નહીં આવે તેની મહત્ત્વની ઘોષણા પણ નાણાપ્રધાને પત્રકાર પરિષદને સંબોધતાં કરી હતી.
સ્ટાર્ટ અપ્સની વિવિધ સમસ્યાઓના સમાધાન માટે સીબીડીટી (સેન્ટ્રલ બોર્ડ અૉફ ડાયરેક્ટ ટૅકસીસ)ના વડાના નેજા હેઠળ અનેક સ્વતંત્ર વિભાગની રચના કરવામાં આવશે, એમ સીતારામને જણાવ્યું હતું.
તે સાથે એમએસએમઈ ક્ષેત્રના જીએસટી રિફન્ડના જૂના કેસીસનો નિકાલ 30 દિવસની અંદર અને નવા કેસના નિકાલ 60 દિવસની અંદર કરવામાં આવશે, એમ નાણાપ્રધાને જણાવ્યું હતું.
જાહેર ક્ષેત્રની બૅન્કોને તાત્કાલિક રૂા. 70 હજાર કરોડની મૂડી ફાળવવાની જાહેરાત પણ તેમણે કરી હતી અને કહ્યું હતું કે આ મૂડી સહાયથી નોન બૅન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ (એનબીએફસી) અને એમએસએમઈ ક્ષેત્રને આર્થિક સહાય મળશે.
ધિરાણકર્તા બૅન્કોએ લોન ક્લોઝ થયાના 15 દિવસમાં મૂળ દસ્તાવેજો ગ્રાહકને પરત કરવા પડશે, એમ સીતારામને જણાવ્યું હતું.
Published on: Sat, 24 Aug 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer