ભારતની ચોખાની નિકાસમાં 26.5 ટકાનો ઘટાડો

ભારતની ચોખાની નિકાસમાં 26.5 ટકાનો ઘટાડો
કલ્પેશ શેઠ તરફથી
મુંબઇ, તા. 10 : આફ્રિકન દેશોની માગ ઘટવાના કારણે અને વૈશ્વિક બજારમાં પેરીટીના અભાવે એપ્રિલ-19 થી જુલાઇ-19ના સમયગાળામાં ભારતની ચોખાની નિકાસમાં ગત વર્ષના આજ સમયગાળાની તુલનાએ 26.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ચાર મહિનામાં દેશની ચોખાની નિકાસ ઘટીને 31.4 લાખ ટને પહોંચી છે. વર્ષ 2018માં ભારતે 7.4 અબજ ડૉલરના ચોખાની નિકાસ કરી હતી. 
સામાન્ય રીતે ચોખાની નિકાસમાં વિશ્વમાં પ્રથમ સ્થાને રહેતા ભારતનો કુલ વૈશ્વિક નિકાસમાં હિસ્સો 30 ટકાથી વધારે રહેતો હોય છે. વર્ષ 2018માં પણ ભારતનો હિસ્સો 30.1 ટકા જેટલો રહ્યો હતો. પરંતુ આ વખતે દેશની ચોખાની નિકાસમાં ઘટાડો થવાની ભીતી સેવાઇ રહી છે. કેન્દ્ર સરકારની કૃષિ સંસ્થા એગ્રિકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફુડ પ્રોડક્ટસ એક્સ્પોર્ટ ડેવલપમેન્ટ અૉથોરિટી (એપિડા)ના આંકડા બોલે છે કે છેલ્લા ચાર માસમાં દેશના નોન-બાસમતી ચોખાની નિકાસ 37 ટકા જેટલી ઘટીને 17 લાખ ટન થઇ ગઇ છે. જેના પરિણામે  ભારતની ચોખાની નિકાસ આ વર્ષે છેલ્લાં સાત વર્ષના તળિયે જઇ શકે છે. આવા નિકાસકારોને સરકાર તરફથી નિકાસ પ્રોત્સાહનની જરૂરયાત મહેસૂસ થઇ રહી છે.      
વૈશ્વિક બજારમાં ચોખાની નિકાસમાં વર્ષ 2018માં ભારત પ્રથમ ક્રમાકે રહ્યું હતું. જ્યારે બીજા ક્રમાંકે 22.7 ટકા હિસ્સા સાથે કુલ 5.6 અબજ ડૉલરની નિકાસ કરીને થાઇલેન્ડ બીજા ક્રમાંકે રહ્યું હતું. જ્યારે વિયેતનામ, પાકિસ્તાન અને અમેરિકા અનુક્રમે ત્રીજા, ચોથા તથા પાંચમા સ્થાને રહ્યા હતા.  જો કુલ વૈશ્વિક વેપાર 24.5 અબજ ડૉલરનો માનીએ તો તેમાં છેલ્લા ત્રણ ત્રિમાસિકમાં એશિયન દેશોનો હિસ્સો 77.8 ટકા રહ્યો છે. જેની કિંમત આશરે 19.1 અબજ ડૉલર થાય છે. 
Published on: Wed, 11 Sep 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer