કાજુમાં નરમાઈ, પરંતુ છૂટક ભાવ ટકેલા

કાજુમાં નરમાઈ, પરંતુ છૂટક ભાવ ટકેલા
સ્મિતા જાની તરફથી
મુંબઈ, તા. 10 : આયાતી કાચાં કાજુની પડતર ઘટતાં અત્રે તૈયાર કાજુના જથ્થાબંધ ભાવમાં કિલોદીઠ રૂા. 30-50નો ઘટાડો આવ્યો છે. જોકે, છૂટક ભાવ યથાવત્ રહ્યા છે.
આફ્રિકામાં આ વર્ષે કાચા કાજુનો પાક ખૂબ સારો થયો હોવાથી તેના ભાવ ગયા વર્ષની તુલનાએ 30-40 ટકા જેવા ઘટી ગયાં છે. તેને પગલે અહીં તૈયાર કાજુના ભાવ દબાયાં છે.
દેશમાં પાકતાં કાચાં કાજુ આયાતી માલ કરતાં ખૂબ મોંઘા હોવાનું સ્થાનિક એપીએમસી બજારના વેપારીઓનું કહેવું છે. આંતરરાષ્ટ્રીય ધોરણે કાચાં કાજુના ખેડૂતોને કિલોદીઠ રૂા. 80-85નો ભાવ મળે છે, જ્યારે ભારતના ખેડૂતોને રૂા. 130 જેવો ભાવ મળે છે, જે વૈશ્વિક સ્તરે સૌથી ઊંચો છે. કાજુનું પ્રોસેસિંગ કરતી ફેકટરીઓને સ્થાનિક માલનું પોસાણ રહેતું નથી.
સ્થાનિક બજારમાં આ વર્ષે ટુકડા કાજુના 10 કિ.ગ્રા.ના જથ્થાબંધ ભાવ ગયા વર્ષના રૂા. 8000થી ઘટીને રૂા. 6000 જેવાં થયાં છે.
સ્થાનિક બજારમાં જથ્થાબંધ કાજુની વિવિધ વેરાયટીના ભાવમાં એવરેજ 320 ક્વૉલિટીના કરવેરા સિવાય પ્રતિ કિલોના ભાવ રૂા. 700-750, મધ્યમ ક્વૉલિટીના રૂા. 640-680 અને કાચાં કાજુનો ભાવ રૂા. 95 રહ્યાં છે.
Published on: Wed, 11 Sep 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer