કૉલ ઈન્ડિયા કૉન્ટ્રાક્ટ પ્રમાણે કોલસો પૂરો નહીં પાડી શકે

કૉલ ઈન્ડિયા કૉન્ટ્રાક્ટ પ્રમાણે કોલસો પૂરો નહીં પાડી શકે
નવી દિલ્હી, તા. 10 : કોલ ઈન્ડિયા લિમિટેડ આગામી વર્ષોમાં વીજળી મથકોને કોન્ટ્રાક્ટ પ્રમાણે કોલસો પૂરો નહીં પાડી શકે.
કોલસા મંત્રાલય સમક્ષ રજૂ કરેલા એક પ્રેઝન્ટેશનમાં દેશમાં કોલસાની સૌથી ખાણકામ કંપનીએ જણાવ્યું હતું કે આ વર્ષે તેનો કોલસાનો પુરવઠો તેની કોન્ટ્રાક્ટ અનુસારની જવાબદારીઓ કરતાં 26.24 કરોડ ટન ઓછો હશે. આવી જ સ્થિતિ આગામી વર્ષોમાં પણ પ્રવર્તવાની સંભાવના છે.
કોલ ઈન્ડિયાના પોતાના અંદાજો મુજબ તેના કોલસાના પુરવઠામાં 2022-23માં 1849 લાખ ટન, 2023-24માં 1149 લાખ ટન અને 2025-26માં 533 લાખ ટનની ખાધ રહેવાનો અંદાજ છે. આ અંદાજ બાંધતી વખતે કોલ ઈન્ડિયાએ વીજળી મથકો સાથે હાલમાં અમલી હોય તેવા બળતણ પુરવઠા કરારો ઉપરાંત ભવિષ્યમાં આવા કરારો ન ધરાવતાં મથકોને સરકારી આદેશને પગલે કોલસો પૂરો પાડવો પડે તેવી શક્યતાને પણ ગણતરીમાં લીધી છે. 2018-19માં કોલ ઈન્ડિયાએ 60.70 કરોડ ટન કોલસાનું ઉત્પાદન ર્ક્યું હતું, જે આગલા વર્ષ કરતાં સાત ટકા વધારે હતું. કોલ ઈન્ડિયાનું ઉત્પાદન લક્ષ્યાંક અનુસાર વધતું રહે તો પણ તેના પુરવઠામાં ઉપરોક્ત ઘટ રહેવાની ધારણા છે. દાખલા તરીકે 2025-26માં તેનું ઉત્પાદન વધીને લક્ષ્યાંક અનુસાર 100 કરોડ ટનનું થાય તો પણ તેનો પુરવઠો કોન્ટ્રાક્ટ સંબંધી જવાબદારી કરતાં 5.33 કરોડ ટનની ખાધ રહેશે, એમ તેના પોતાના અંદાજો કહે છે.
વીજળી મથકોની કોલસાની જરૂરિયાતો વખતો વખત બદલાતી રહે છે. એટલે ક્યારેક તેઓ પૂરી ક્ષમતાથી કામ કરવા માગતાં હોય ત્યારે તેમને પૂરતો કોલસો ન મળે એવું પણ બને છે, તો ક્યારેક ઉત્પાદન વધી જાય ત્યારે તેમને કોન્ટ્રાક્ટ કરતાં વધુ કોલસો પહોંચાડવામાં આવે છે.
Published on: Wed, 11 Sep 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer