મુલુન્ડના મર્ડર કેસનું રહસ્ય હજી અકબંધ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : મુલુન્ડમાં રવિવાર રાત અને સોમવાર સવાર વચ્ચે થયેલી કચ્છી મહિલાની હત્યાનો ભેદ મંગળવારે પણ વણ ઉકેલ્યો રહ્યો હતો.
રૂક્ષ્મણીબહેન દામજી વિસરિયા (66)ની લાશ ત્રિવેદી ભુવનમાં તેમના ત્રીજા માળના ફ્લેટમાંથી સોમવારે દોઢેક વાગ્યે મળી હતી. તેમને ત્રણ દીકરા છે અને એમાંનો સૌથી મોટો દીકરો મેહુલ ત્રિવેદી ભુવનમાં પહેલા માળે રહે છે. બાકીના બે દીકરા પણ મુલુન્ડમાં ત્રિવેદી ભુવનની પાસે રહે છે.
પોલીસનું માનવું છે કે હત્યા પાછળ કોઈ અંદરની જ વ્યક્તિનો હાથ છે કારણ કે રૂક્ષ્મણીબહેનના શરીર પરના ઘરેણાં અકબંધ હતાં.
મુલુન્ડ પોલીસ ગઈકાલથી રૂક્ષ્મણીબહેનનાં ત્રણ દીકરા અને અન્ય સભ્યોની સતત પૂછપરછ કરી રહી છે.
મંગળવારે રૂક્ષ્મણીબહેનના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારના સભ્યોને સોંપવામાં આવ્યો હતો. આને લીધે પોલીસે રૂક્ષ્મણીબહેનના પરિવારના સભ્યોને પૂછપરછ કરવાનું અટકાવી દીધું હતું. પરિવારના સભ્યો અંતિમવિધિ પતાવી દે એ બાદ બુધવાર (આજ)થી પૂછપરછ અને જુબાની લેવાનું શરૂ કરવામાં આવશે.
દરમિયાન આ કેસ જલદી ઉકેલાય એ માટે ડેપ્યુટી કમિશનર અૉફ પોલીસ (ડીસીપી) અખિલેશ સિંહ તથા મુલુન્ડ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર રવિ સરદેસાઈ અંગત રીતે ધ્યાન આપી રહ્યાં છે.
Published on: Wed, 11 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer