બુલઢાણામાં 200 શ્વાનની હત્યામાં મ્યુનિસિપાલિટીનો હાથ?

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 10 : મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં લગભગ 200 જેટલાં શ્વાનોના રહસ્યમય મરણ અંગે `પેટા ઇન્ડિયા' એ એફ.આઈ.આર. નોંધાવી છે. બુલઢાણાની પાડોશમાં આવેલા જાલના અને ઔરંગાબાદ જિલ્લાની પાલિકાઓએ વ્યંધીકરણ જેવા કાનૂની માર્ગે શ્વાનેની વસ્તી અંકુશમાં નિષ્ફળ જવાથી તેઓને મોટી સંખ્યામાં મારીને બુલઢાણામાં ગીરડા-સાવલદાબારા રોડ ઉપર ફેંકી દીધા હોવાની શંકા છે.
`પેટા ઇન્ડિયા'ના કાર્યકર મિત આશરે જણાવ્યું હતું કે અમે બુલઢાણા જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે વાત કરી છે. તે અંગે પીસીએ ઍક્ટ, 1972 અને આઈપીસીની સંબંધીત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આરોપીઓને શોધી કાઢીને સજા કરવામાં આવે એવી માગણી કરી રહ્યાં છીએ એમ આશરે ઉમેર્યુ હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શ્વાનોના મૃતદેહોને ફોરન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. તેના કારણે તેઓને ઝેર આપવામાં આવ્યું હતું કે કેમ તેની જાણ થશે. પોર્સ્ટમોર્ટમનો અહેવાલ મળે પછી તપાસને દિશા મળશે.
મિત આશરે જણાવ્યું હતું કે નાગરિકોએ પશુ ઉપર ક્રૂરતા આચરવાના બનાવોની અમને જાણ કરે તેથી ગુનેગારોને કાયદાની જોગવાઈઓ અનુસાર સજા થઈ શકે. બુલઢાણાના પ્રકરણને લીધે પશુઓની ક્રૂરતા અંગે વધુ આકરા કાયદાની જરૂર છે. તે બાબત સ્પષ્ટ કરે છે. પશુઓ મૂંગા છે તે બાબતનો આપણે ફાયદો લેવો ન જોઈએ એમ આશરે ઉમેર્યુ હતું. 
Published on: Wed, 11 Sep 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer