આ વરસે વિસર્જન બાપ્પા ના ભરોસે

મુંબઈ, તા. 10 : આ વરસે ગણેશ વિસર્જન પાલિકા પ્રશાસન, ટ્રાફિક અને પોલીસ ડિપાર્ટમેન્ટ માટે અગ્નિપરીક્ષા સમાન પુરવાર થશે. મુંબઈના 20 જોખમી પુલ પર એક સમયે એક જ મૂર્તિ વિસર્જન માટે જઈ શકશે એવો આદેશ પાલિકા અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટે સંયુક્તપણે આપ્યો હતો. જોકે આ મુદ્દે મોટા ભાગનાં મંડળો અવઢવની સ્થિતિમાં હોવાનું જણાઈ રહ્યું છે. અમુક દુર્ઘટના થશે તો એની જવાબદારી મંડળોની રહેશે, પરંતુ મંડળો જો સાથ- સહકાર આપશે તો આ ઉત્સવ નિર્વિઘ્ને પાર પાડશું એમ પ્રશાસને જણાવ્યું છે. આને કારણે મુંબઈમાં વિસર્જન યાત્રા હાલના તબક્કે બાપાના ભરોસે હોવાનું જણાઈ રહ્યું છે.
લાલબાગ-પરેલ વિસ્તારમાં મુંબઈથી આવતી લાખોની ભીડ, મંડળો સહિત જોખમી પુલો અંગેની સામાન્ય ભક્તોની અવઢવ, બપોરના સમયે એક સમયે નીકળનારી હજારો વિસર્જન યાત્રા સહિત અનેક અનુત્તરી પ્રશ્નોને કારણે યંત્રણા સમક્ષનું આહ્વાન ધારે એટલું સરળ નહીં હોય. અંધેરીના ગોખલે પુલ અને સીએમએસટી ખાતે હિમાલય પુલ દુર્ઘટના બાદ પાલિકા પ્રશાસન પણ જોખમી પુલો અંગે સાવચેતી દાખવી રહ્યું છે. પાલિકાના ઓડિટ મુજબ ચિંચપોકલી ઉપરાંત મુંબઈના 19 પુલ જોખમી જાહેર કરાયા છે. આ પુલ પર 16 ટન કરતાં વધુ વજન આવે તો દુર્ઘટના થવાની શક્યતા હોવાનું જણાવાયું છે. એમાંય સૌથી વધુ વિસર્જન યાત્રા જ્યાંથી નીકળે છે એ ચિંચપોકલીનો બીજો કોઈ પર્યાયી માર્ગ ન હોવાથી એક સમયે એક જ મૂર્તિ સૂત્ર નક્કી કરાયું છે. અન્ય પુલ માટે પણ આજ સ્લોગનનો ઉપયોગ કરાશે અને એ મુજબનું આયોજન પણ કરાયું છે. જોકે મંડળોના કાર્યકર્તાઓ ઉપરાંત શ્રદ્ધાને કારણે જમા થતાં લાખો ભક્તોનું શું, એમાંના અતિ ઉત્સાહી લોકોને કેવી રીતે રોકવા, એ અંગે કોઈ ખાસ આયોજન કરાયું છે કે કેમ? જેવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ વીસ જોખમી પુલ પરથી હજારો ગણેશ મૂર્તિ પસાર થવાની હોવાથી વિસર્જન યાત્રા કેટલો સમય લંબાઈ જશે એનો જવાબ હાલ પ્રશાસન પાસે પણ નથી.
મંડળો દ્વારા યંત્રણાને પૂર્ણપણે સહકાર આપવામાં આવશે એવી ખાતરી અપાતી હોવા છતાં પાલિકાએ તૈયાર કરેલી નિયમાવલિ, પોલીસ ઉપરાંત ટ્રાફિક પોલીસને સહકાર આપ્યા સિવાય આ ઉત્સવ નિર્વિઘ્ને પાર પડી શકશે નહીં. આ અંગે જણાવતા સમન્વય સમિતિના અધ્યક્ષ એડવોકેટ નરેશ દહિબાવકરે જણાવ્યું કે, પુલોનો પ્રશ્ન, વરસાદ અને મેટ્રોના કામને કારણે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ પણ ટેન્શનમાં હશે. ત્યારે સંબંધિત યંત્રણાએ આપેલા આદેશોનું પાલન કરી શાંતિપૂર્વક આ ઉત્સવ નિર્વિઘ્ને પાર પાડવાની જવાબદારી ભક્તોની પણ છે.
Published on: Wed, 11 Sep 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer