મહારેરા સુલેહ બેન્ચની સંખ્યા વધારાશે

મુંબઈ, તા. 10 : મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી અૉથોરિટી (મહારેરા) ડેવલપર અને ઘર ખરીદનાર વચ્ચેના ઝઘડાનો નિવેડો આણવા રાજ્યના દરેક જિલ્લામાં સુલેહકારી બેન્ચની રચના કરવા માગે છે. આ રીતે કોન્સીલેશન ફોરમ બેન્ચનું વિસ્તરણ કરવાની યોજના સરકારે ઘડી કાઢી છે. અૉથોરિટીના ચૅરમૅન ગૌતમ ચેટરજીએ કહ્યું હતું કે મહારેરા તબક્કાવાર વિસ્તરણ કરીને થાણે, નવી મુંબઈ, મિરા-ભાઇંદર, વસઈ-વિરાર, પાલઘર, કલ્યાણ-ડોંબિવલીમાં આવી બેન્ચ ખોલવા માગે છે. સત્તાવાળાઓ પુણેમાં પણ એક બેન્ચ ખોલવા માગે છે. 
 અૉથોરિટીએ બે દિવસના સ્કીલ ડેવલપમેન્ટ વર્કશોપનું ગયા અઠવાડિયે આયોજન કર્યું હતું. આમાં મુંબઈના દસ અને પુણેના પાંચ બેન્ચના સભ્યો તેમ જ નવા બેન્ચોમાં જોડાનારા સભ્યોને પ્રશિક્ષણ અપાયું હતું. 
મહારેરાએ આવી ફોરમની રચના સૌથી પહેલાં 1 ફેબ્રુઆરી, 2018એ કરી હતી.  આ માટે મહારાષ્ટ્ર ચેમ્બર અૉફ હાઉસિંગ ઇન્ડસ્ટ્રીઝ, કૉન્ફડરેશન અૉફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ ઍસોસિયેશન અૉફ ઈન્ડિયા અને નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલના 15 સભ્યો અને મુંબઈ ગ્રાહક પંચાયતના 15 સભ્યોને લેવામાં આવ્યા છે. 
આ ફોરમમાં ડેવલપરની સંસ્થા અને ગ્રાહક સંસ્થાના એક સભ્યની બનેલી બેન્ચ વાતચીત અને વાટાઘાટો વડે ઝઘડાનો નિવેડો આણે છે. જો મંત્રણા વિફળ જાય તો ફરિયાદી ખર્ચાળ કાનૂની પ્રક્રિયા શરૂ કરી શકે છે. 
 સુલેહ પ્રક્રિયા માટે હોમ બાયરે પહેલાં રેરાને વિનંતી મોકલાવવી પડે છે. જો બીજો પક્ષ પણ  આ માટે તૈયાર થઈ જાય તો હોમ બાયરને 1000 રૂપિયા ભરવાના હોય છે. ત્યાર બાદ બેન્ચ વિવાદનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરે છે. બેન્ચ આ માટે વધારેમાં વધારે ત્રણ સુનાવણી કરે છે. રેરાને 547 અરજીઓ મળી હતી અને 489 કેસમાં બન્ને પક્ષો સુલેહ ફોરમમાં રજૂઆત કરવા તૈયાર થયા હતા. 434 કેસમાં સુલેહની પ્રોસેસ પતી ગઈ છે અને સુલેહ કરાઈ છે. 55ની સુનાવણી ચાલુ છે. 
મુંબઈ ગ્રાહક પંચાયતના પ્રેસિડન્ટ શિરીષ દેશપાંડેએ કહ્યું હતું કે સુલેહની યંત્રણા સ્થાપનાર મહારાષ્ટ્ર પહેલું રાજ્ય છે. બીજાં રાજ્યો પણ આ મોડેલ અપનાવે એવી સંભાવના છે. 
Published on: Wed, 11 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer