નાની હાઉસિંગ સોસાયટીની ચૂંટણી ડિસેમ્બર સુધી મોકૂફ રાખવાના

સરકારના નિર્ણય પર સભ્યો ખફા
મુંબઈ,  તા. 10 : નાની હાઉસિંગ સોસાયટીમાં ચૂંટણી 31 ડિસેમ્બર સુધી અટકાવવાના સરકારી નિર્ણયને લીધે સોસાયટીના સભ્યો નારાજ થયા છે. આ હુકમ માર્ચના પરિપત્રથી વિપરીત છે. માર્ચના પરિપત્રમાં આ સોસાયટીને ચૂંટણી અધિકારી વિના પોતાની રીતે ચૂંટણી યોજવાની છૂટ અપાઈ હતી. જોકે, સત્તાવાળાઓ આના નિયમનો મુસદ્દો ઘડવામાં વિફળ જતાં રાજ્ય સરકારે નવો હુકમ બહાર પાડયો છે અને આની અસર 80,000 સોસાયટી પર પડી છે. 
ગયા મહિને બહાર પાડેલા જાહેરનામામાં એવી છૂટ અપાઈ હતી કે મહારાષ્ટ્ર સ્ટેટ કો-અૉપરેટિવ ઈલેકશન અૉથોરિટીની સંડોવણી વિના 250થી ઓછા સભ્યો ધરાવતી સોસાયટી પોતાની જાતે ચૂંટણી યોજી શકે છે. 
 થાણેની સોસાયટીના હોદ્દેદારે કહ્યું હતું કે સરકારે યોગ્ય નિર્ણય લીધો છે. જોકે, આના નિયમો ઘડવામાં સરકારની વિફળતાને લીધે સોસાયટીને અવઢવમાં મૂકી દીધી છે. સોસાયટી હવે ચૂંટણી યોજવા આ સત્તાવાળાઓનો સંપર્ક પણ કરી શકતી નથી અને પોતાની જાતે ચૂંટણી પણ યોજી શકતી નથી. કંપની લો પ્રમાણે મોટા કૉર્પોરેશન જાતે ચૂંટણી યોજી શકે છે. જો  શૅરધારકોની લઘુમતીને ગેરરીતિની આશંકા હોય તો તેઓ દરમિયાનગીરી માટે રજિસ્ટ્રારનો સંપર્ક કરી શકે છે. નાની સોસાયટી માટે પણ આવી સિસ્ટમ હોવી ઘટે. 
નવી મુંબઈની એક સોસાયટીના હોદ્દેદારે કહ્યું હતું કે અમલદારશાહી કેટલી ધીમી છે એનો આ દાખલો છે. નવમી માર્ચના આદેશને છ મહિના વીતી ગયા હોવા છતાં નિયમો તૈયાર થયા નથી. સરકાર હવે કહે છે કે અમને વધુ ચાર મહિના આપો. આ એ જ સરકાર છે જે તમે ડિફોલ્ટર હો તો તમારા ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકે છે. 
માર્ચમાં રાજ્ય સરકારે 1960ના મહારાષ્ટ્ર કો-અૉપરેટિવ સોસાયટી ધારામાં 154(બી) ઉમેર્યો હતો જે સોસાયટીને ખાસ અધિકાર આપે છે. 2013ના સુધારા પ્રમાણે ચૂંટણી યોજવા મહારાષ્ટ્ર રાજ્ય કો-અૉપરેટિવ ઈલેકશન અૉથોરિટીની દરમિયાનગીરી જરૂરી છે. જોકે, અનેક સોસાયટીએ એવી ફરિયાદ કરી છે કે સરકારી ચૂંટણી અધિકારીની હાજરી ફરજિયાત બનાવતાં અમારો ચૂંટણી ખર્ચ વધી ગયો છે. 
સહકારી ખાતાના અધિકારીએ કહ્યું હતું કે માર્ચનો નિર્ણય લેવા પાછળનું કારણ એ હતું કે અમને સોસાયટી તરફથી ઘણી ફરિયાદો મળી હતી અને હાઉસિંગ સોસાયટી એ નોન-પ્રોફિટ સંસ્થા છે. જોકે, નિયમ ઘડતા વાર લાગે એમ હોવાથી આવી સોસાયટીની ચ્ટૂંણી પ્રક્રિયા ડિસેમ્બર સુધી મોકૂફ રખાઈ છે. 
2019માં કરાયેલા નવા સુધારામાં સભ્ય, સહયોગી સભ્ય અને જોઈન્ટ મેમ્બરની વ્યાખ્યા સ્પષ્ટ કરાઈ છે. નવા સુધારા પ્રમાણે સોસાયટી કોઈ પણ સભ્યને ગેરલાયક ઠરાવી શકે છે. નવા નિયમ પ્રમાણે કોઈ પણ સભ્ય દસ્તાવેજ માગે તો સોસાયટીએ 45 દિવસની અંદર આપવા પડશે. નહીં તો સોસાયટીને દંડ થશે. નવા સુધારા પ્રમાણે કમિટીમાં અનામત કેટેગરીના સભ્યો કે બે મહિલા સભ્યો ન હોય તો પણ કારોબારી સમિતિ તેનું કામ કરી શકે છે. 
Published on: Wed, 11 Sep 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer