ભારે વરસાદમાં અડધું મધ્યપ્રદેશ ગરકાવ

ભોપાલ, તા. 10 : ગુજરાતની સાથે મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. મૂશળધાર વરસાદ અને પૂર બાદ જનજીવન થંભી ગયું છે. રાજધાની ભોપાલમાં ભારે વરસાદ લોકો માટે મુસીબત લઈને આવ્યો હતો.  શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. 2016 બાદ પહેલી જ વખત કોલાર ડેમના દરવાજા ખોલવા પડયા હતા. નવાબીકાળની ઈમારત તૂટી પડી હતી. જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી. અહેવાલો મુજબ વરસાદ અને પૂરથી ભોપાલથી હરદા સુધીનું અડધું એમપી ગરકાવ છે. હરદામાં ભારે વરસાદને કારણે જેલના કેદીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. દરમ્યાન, હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના 32 જિલ્લામાં ભારેથી બેહદ ભારે વરસાદની ચેતવણી આપી હતી. 
તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મધ્યપ્રદેશના 28 બંધ પૈકી 21 બંધના દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા. ખાંડવા જિલ્લામાં સ્થિત પ્રદેશના સૌથી મોટા બંધ ઇન્દિરા સાગર અને જબલપુર જિલ્લામાં સ્થિત બરંગી બંધમાં દરવાજા ખોલવામાં આવ્યા હતા. ભારે વરસાદની સાથેસાથે બંધમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ પૂરની સ્થિતિ વિકરાળ બની ગઈ છે. પૂર્વીય મધ્યપ્રદેશમાં ચોમાસું સક્રિય અને પશ્ચિમી મધ્યપ્રદેશમાં ચોમાસું પ્રબળ સ્થિતિમાં છે.
કોલાર ક્ષેત્રમાં 20 પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હરદા જિલ્લામાં જેલમાં પણ પાણી ઘૂસી ગયા છે જેથી કેદીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. મંડલામાં નર્મદા નદી ભયજનક નિશાનથી ચાર ફૂટ ઉપર પહોંચી ગઈ છે. સતત ભારે વરસાદના લીધે ભોપાલમાં સ્કૂલ અને કોલેજોને બંધ કરી દેવામાં આવ્યા છે. તમામ પરીક્ષાઓને પણ મોકૂફ રાખવામાં આવી છે. તમામ સરકારી, ખાનગી, સીબીએસઈ અને અન્ય સ્કૂલો બંધ રાખવામાં આવી રહી છે.
Published on: Wed, 11 Sep 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer