ગુજરાત સરકારે વાહનચાલકોને આપી મોટી રાહત

દંડની રકમમાં 50 ટકાનો ઘટાડો
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.10: ગુજરાતમાં મોટર વ્હીકલ એક્ટનો આગામી 16 સપ્ટેમ્બરથી સખત અમલ કરવામાં આવશે તેવી જાહેરાત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી છે. મુખ્ય પ્રધાને સ્પષ્ટ કર્યુ હતું કે, આ નવા નિયમોનો અમલ લોકોને હેરાન કરવા નહિ, પરંતુ નાગરિકોની સલામતી માટે છે. સામાન્ય વ્યક્તિ પર નાણાકીય ભારણ ઓછું પડે અને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતાં થાય તે માટે રાજ્ય સરકારે જૂના કાયદાની સરખામણીમાં નવા કાયદામાં કેન્દ્ર સરકારે જાહેર કરેલા દંડની રકમના 50 ટકા જેટલો ઘટાડો કર્યો છે. 
રાજ્ય સરકારે મોટર વ્હીકલ ઍક્ટ હેઠળ આવતા 18 જેટલા ગુનાઓમાં દંડની જોગવાઇ કરી છે. મુખ્ય પ્રધાન રૂપાણીએ એવી પણ જાહેરાત કરી હતી કે, કોઇપણ વ્યક્તિ તેના સ્માર્ટફોનમાં ડિજિટલ લોકરમાં મોટર વ્હીકલ ઍક્ટને લગતા જેવા કે, આર સી બુક, લાઇસન્સ, પીયુસી, ઇન્શ્યોરન્સ જેવા ડોક્યુમેન્ટની નકલ રાખી હશે તો તેને માન્ય ગણાશે. આ અંગેની સૂચના પણ ટ્રાફિક અને આરટીઓ વિભાગને આપી દેવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે, સરકારનો હેતુ દંડ વસૂલવાનો કદાપી નથી, પરંતુ લોકો ટ્રાફિકના નિયમોની ઉપેક્ષા કરે તે છે. આ દંડની અમલવારી જાહેર જનતાની રોડ પરની સલામતી જળવાય, નિર્દોષ નાગરિકની અમૂલ્ય જિંદગીનો ભોગ ન લેવાય તે બાબતનો સરકારને અભિગમ છે. 
રાજ્ય સરકાર આજે જાહેર કરેલા 18 ગુનાના નવાં દંડમાં મહત્ત્વના એવા પૂરઝડપે વાહન ચલાવવું , રજિસ્ટ્રેશન વગર કે ફીટનેસ વગર વાહન ચલાવવું, દારૂ અથવા ડ્રગ્સના નશામાં નશાયુક્ત હાલતમાં વાહન ચલાવવાના ગુનામાં કડક જોગવાઇ કરાઇ છે. ખાસ કરીને થર્ડપાર્ટી વીમા વગર વાહન ચલાવવા અને જાહેર જગ્યામાં રેસ કરવી કે સ્પીડની ટ્રાયલ લેવા જેવા ગુનામાં કેન્દ્ર સરકારે જાહેર કરેલા દંડની રકમને રાજ્ય સરકારે પણ યથાવત રાખી છે. થર્ડપાર્ટી વીમા વગર વાહન ચલાવવાના ગુનામાં પ્રથમ વખત રૂા.2000 અને બીજી વખત રૂા.4000નો દંડ, જ્યારે જાહેર જગ્યામાં રેસ કરવી કે સ્પીડની ટ્રાયલ લેવા જેવા ગુનામાં પ્રથમ રૂા.5000 અને પછી બીજી વખતના ગુનામાં રૂા.10,000નો દંડ લેવામાં આવશે. 
ટ્રાફિક સંબંધિત પ્રજાને સ્પર્શતા ગુનાઓની જોગવાઇ મુજબ, જો વાહનચાલકે  હેલ્મેટ ન પહેરી હોયતો પ્રથમ વખત રૂા.500નો દંડ થશે. આ પછી પણ હેલ્મેટ વગર પકડાશે તો ફરી  વખત પણ રૂા. 500નો દંડ ચૂકવવાનો રહેશે. જોકે, દ્વિચક્રી વાહનમાં પાછળ બેસનારને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે મોટરકારમાં સીટબેલ્ટ ના બાંધી હોય તો તે પ્રકારના દરેક ગુનામાં રૂા.500નો દંડ ચૂકવવાનો રહેશે. મોટર કારમાં માત્ર ફ્રન્ટ સીટ અને ડ્રાઇવર સીટ પૂરતુ મર્યાદિત રહેશે, પરંતુ ચાઇલ્ડ રિસ્ટેન્ટ માટે નહિ. કારના કાચ ઉપર ડાર્ક ફિલ્મ હોય તો પ્રથમ વખત રૂા.500 અને બીજી વખત રૂા.1000 જ્યારે ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ કરાશે તો પ્રથમ વખત  રૂા.500 અને બીજી વખત રૂા.1000 દંડ પેટે ચૂકવવાના રહેશે.  
Published on: Wed, 11 Sep 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer