નર્મદા ડેમના 23 દરવાજા પહેલીવાર 4.1 મીટર સુધી ખોલાયા

નર્મદા ડેમના 23 દરવાજા પહેલીવાર 4.1 મીટર સુધી ખોલાયા
અમારા પ્રતિનિધિ  તરફથી 
વડોદરા, તા. 10 : નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલા 6.5 લાખ ક્યુસેક પાણીને કારણે ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી  સાંજે 6 વાગે 31.50 ફૂટે અને રાત્રે 33 ફૂટ થવાની શકયતા છે. જેને પગલે નર્મદા નદીના કાંઠા અને આલિયાબેટ પરથી અત્યાર સુધીમાં 1000 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના લોકોને ઍલર્ટ કરવામાં આવ્યા છે. 
 મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમના 12 ગેટ અને ઓમકારેશ્વર ડેમના 16 ગેટ ખોલાયા છે. જેથી નર્મદા ડેમમાં 7.12 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. અને નર્મદા ડેમના 23 દરવાજા પહેલીવાર 4.1 મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી 6.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. 

Published on: Wed, 11 Sep 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer