ઊર્મિલા માતોંડકર અને કૃપાશંકર સિંહે કૉંગ્રેસને ર્ક્યા રામ રામ

ઊર્મિલા માતોંડકર અને કૃપાશંકર સિંહે કૉંગ્રેસને ર્ક્યા રામ રામ
અભિનેત્રીએ રાજીનામા પત્રમાં કહ્યું કે પક્ષના આંતરિક રાજકારણથી કંટાળી ગઈ છું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : લોકસભાની ચૂંટણી ટાણે કૉંગ્રેસમાં જોડાનારી પ્રસિદ્ધ અભિનેત્રી ઊર્મિલા માતોંડકરે કૉંગ્રેસના સદસ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. પક્ષના આંતરિક રાજકારણથી કંટાળીને મેં રાજીનામું આપ્યું હોવાનું તેમણે રાજીનામા પત્રમાં જણાવ્યું છે.
કૉંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન કૃપાશંકર સિંહે પણ મંગળવારે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. 
ઊર્મિલા માતોંડકરે 27 માર્ચના રોજ નવી દિલ્હીમાં કૉંગ્રેસમાં પ્રવેશ ર્ક્યો હતો. પક્ષપ્રવેશ દરમિયાન તે દિલ્હીમાં તત્કાલીન કૉંગ્રેસ ચીફ રાહુલ ગાંધીને પણ મળ્યાં હતાં. હું કૉંગ્રેસની વિચારસરણીમાં માનું છું અને માત્ર ચૂંટણી  પૂરતી પક્ષમાં આવી નથી એવું પણ એ વખતે તેણે પત્રકારોને કહ્યું હતું. જોકે છ મહિનાની અંદર જ પક્ષમાં ચાલતી ખેંચતાણથી તે કંટાળી ગઈ હતી અને રાજીનામું આપી દીધું છે.
રાજીનામા પત્રમાં ઊર્મિલાએ કહ્યું છે કે 16 મેના રોજ મેં લખેલા પત્ર વિશે કોઈ કાર્યવાહી થઈ નથી. જેમના વિરુદ્ધ ફરિયાદ કરી છે તેમને હોદ્દાઓથી નવાજવામાં આવ્યા છે. મારો કોઈ ઉપયોગ કરે નહીં એ માટે હું રાજીનામું આપું છું. હું લોકો માટે કામ કરવાનું તો ચાલુ જ રાખીશ.
પત્રમાં ઊર્મિલાએ વધુમાં કહ્યું છે કે મુંબઈ કૉંગ્રેસના મોટા લક્ષ્ય માટે કામ કરવાને બદલે પક્ષની અંદર સ્વાર્થી પ્રવૃત્તિ ચાલી રહી છે. આ પ્રવૃત્તિમાં મારો ઉપયોગ થાય એ મને રાજકીય કે સામાજિક રીતે માન્ય નથી. 16 મેના મેં લખેલા પત્ર પર કોઈ કાર્યવાહી થઈ ન હતી, પણ આ પત્ર ઈરાદાપૂર્વક મીડિયાને લીક કરી લેવામાં આવ્યો હતો. મારા સતત વિરોધ છતાં પક્ષમાંથી કોઈએ મારી માફી માગવાની તસ્દી પણ લીધી નહોતી.
ઊર્મિલા માતોંડકરે આ પત્રમાં કૉંગ્રેસના બે સ્થાનિક નેતાઓની ફરિયાદ કરી હતી. તેણે કહ્યું હતું કે આ બન્ને નેતા રાજકીય રીતે અપરિપકવ છે અને તેમનામાં શિસ્તનો અભાવ છે. તેણે આ બે નેતાના નામ સંદેશ કોંડવીલકર અને ભૂષણ પાટીલ આપ્યા હતા. આ બન્ને નેતા સંજય નિરૂપમના સમર્થક છે.
કૃપાશંકર સિંહે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને નાબૂદ કરવા સામે કૉંગ્રેસના વિરોધ સાથે પોતે સંમત નહીં હોવાથી પોતે પક્ષ સાથે છેડો ફાડી રહ્યા છે. મારું રાજકીય વલણ યોગ્ય સમયે જાહેર કરીશ. હું ભાજપમાં જોડાવાનો નથી એમ તેમણે ઉમેર્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે કૃપાશંકર સિંહે કૉંગ્રેસના મુંબઈ એકમના વડા અને મહારાષ્ટ્રમાં રાજ્યકક્ષાના પ્રધાનની જવાબદારી અદા કરી હતી. મુંબઈની અદાલતે કૃપાશંકર સિંહે આવકના સાત સ્રોતોની તુલનામાં વધુપડતી સંપત્તિ રાખવાના કેસમાંથી અદાલતે તેમને ખટલો માંડવા આવશ્યક પરવાનગીના અભાવે છોડી મૂકયા હતા.
Published on: Wed, 11 Sep 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer